બાળકોના સંસ્કાર અને દીકરીઓના શિક્ષણ પર રાજ્યપાલનો ભાર! નરસંડામાં ગ્રામજનો સાથે કર્યો સંવાદ
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક જાગૃતિ લાવવા અને જનકલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજ્યભરમાં ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રેરણાદાયી શૃંખલાના ૫૧માં કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલએ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા નરસંડા ગામની ખાસ મુલાકાત લીધી હતી. નરસંડાના પટેલ વાડી પાસે આવેલા ગ્રામ ચોક ખાતે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.
આ રાત્રિ સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અત્યંત સરળ અને હૃદયસ્પર્શી શૈલીમાં ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે બાળ સંસ્કાર, વ્યસનમુક્તિ, કન્યા કેળવણી, લિંગ સમાનતા, સામાજિક સમરસતા તેમજ પ્રાકૃતિક ખેતી અને પશુપાલન જેવા જીવનઘડતરના મહત્વપૂર્ણ વિષયો પર પ્રકાશ પાડીને ઉપસ્થિત સૌ કોઈમાં એક નવી સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો હતો.
મનુષ્યની સાચી વ્યાખ્યા અને બાળકોમાં સંસ્કાર સિંચન
રાત્રિ સભાને સંબોધતા રાજ્યપાલએ સૌ પ્રથમ ‘મનુષ્ય’ કોને કહેવાય તેની સાચી વિભાવના સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જે વ્યક્તિ માત્ર પોતાના પૂરતું જ ન વિચારતા બીજાના સુખ અને દુઃખમાં સહભાગી બને છે, તે જ સાચો મનુષ્ય છે. ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે સમર્પણ અને સદભાવ એ આપણી સંસ્કૃતિની સૌથી મૂલ્યવાન આધારશિલા છે.
આજના આધુનિક યુગમાં બાળકોના ઉછેર અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલએ નરસંડાના વાલીઓને ખાસ ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે માતા-પિતાએ પોતાના સંતાનોને માત્ર પુસ્તકિયું જ્ઞાન કે ઊંચું શિક્ષણ જ નથી આપવાનું, પરંતુ શિક્ષણની સાથે સાથે તેમનામાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવું પણ એટલું જ જરૂરી છે. બાળકો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે, તેમની આદતો કેવી છે અને તેઓ કેવા મિત્રોની સંગતમાં રહે છે, તે અંગે વાલીઓએ સતત સજાગ રહેવું જોઈએ, જેથી યુવા પેઢી વ્યસન અને કુસંગતથી બચી શકે.
કન્યા કેળવણી અને લિંગ સમાનતા પર ભાર
સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત હોવું અનિવાર્ય છે. આ વાત પર ભાર મૂકતા રાજ્યપાલએ કન્યા કેળવણી અને લિંગ સમાનતાનું મહત્વ ઉજાગર કર્યું હતું. તેમણે ઉપસ્થિત ગ્રામજનોને હૃદયપૂર્વક અનુરોધ કર્યો હતો કે ઘરમાં દીકરા અને દીકરી વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના બંનેને આગળ વધવાની સમાન તક અને સમાન શિક્ષણ આપવામાં આવે. આ ઉપરાંત, ગામ કે સમાજના કોઈપણ વર્ગનું એક પણ બાળક શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવા પણ તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી.
સામાજિક સમરસતા અને પ્રાકૃતિક ખેતીનો મંત્ર
સમાજમાં પ્રવર્તતા નાત-જાત અને ધાર્મિક ભેદભાવોનું આકરા શબ્દોમાં ખંડન કરતા આચાર્ય દેવવ્રતજીએ આપણા પ્રાચીન ધર્મગ્રંથોનો સંદર્ભ આપ્યો હતો. તેમણે વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતામાં દર્શાવવામાં આવેલી માનવતાની વિભાવનાને ઉજાગર કરતા જણાવ્યું હતું કે ઈશ્વરની નજરમાં સૌ સમાન છે, તેથી સૌએ પરસ્પર પ્રેમ, બંધુતા અને સામાજિક સૌહાર્દ જાળવીને એકતાથી રહેવું જોઈએ.
આ સાથે જ ખેડૂતોની આવક વધારવા અને ધરતીમાતાનું સ્વાસ્થ્ય બચાવવા માટે રાજ્યપાલએ પોતાના પ્રિય વિષય એવા ‘પ્રાકૃતિક ખેતી’ અને દેશી ગાય આધારિત પશુપાલનના ફાયદાઓ વિશે વિગતવાર સમજણ આપી હતી. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના દુષ્પરિણામોથી બચવા માટે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરણા આપી હતી.
સેવા સેતુ કાર્યક્રમની ઐતિહાસિક સફળતા અને લાભાર્થીઓને સહાય
આ પ્રસંગે ખેડા જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદ્બોધન કરતા નરસંડા ગામે આયોજિત ‘સેવા સેતુ’ કાર્યક્રમની ભવ્ય સફળતાની વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ સરકારના ૧૩ જેટલા વિવિધ વિભાગોની ૫૫ જેટલી જનકલ્યાણકારી યોજનાઓનો અંદાજે ૪,૨૭૦ જેટલા લાભાર્થીઓએ સ્થળ પર જ સીધો લાભ મેળવ્યો છે. વધુમાં, કલેકટરએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્ડ હેઠળ સૌથી વધુ ક્લેમ મંજૂર કરવાની વિશિષ્ટ સિદ્ધિ ખેડા જિલ્લાએ હાંસલ કરી છે, જે સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે.
કાર્યક્રમ દરમિયાન સેવા સેતુ અંતર્ગત લાભાન્વિત થનાર ૦૫ લાભાર્થીઓને રાજ્યપાલના વરદ હસ્તે પ્રતિકાત્મક રૂપે વિવિધ યોજનાકીય સહાય અને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સોલંકી દાનીબેનને વૃદ્ધ સહાય યોજના, વાઘેલા હેમાંગીનીબેનને કુંવરબાઈનું મામેરું યોજના, ભાનુભાઈ પરસોત્તમભાઈ પટેલને આયુષ્યમાન કાર્ડ, ચંપાબેન કાંતિભાઈ પરમારને વિનામૂલ્યે રાશન અને દીયા નીલેશભાઈ સોલંકીને વ્હાલી દીકરી યોજનાનો લાભ અર્પણ કરવામાં આવ્યો હતો.
મહાનુભાવો અને ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિ
નરસંડા ખાતે આયોજિત આ પ્રેરણાદાયી રાત્રિ સભામાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય, પોલીસ અધિક્ષક વિજય પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જોગીયા, અધિક કલેકટર જે.બી. દેસાઈ, એડિશનલ કલેક્ટર વિમલભાઈ બારોટ, નડિયાદ પ્રાંત અધિકારી ચિરાગભાઈ નિમાવત તેમજ નરસંડા ગામના સરપંચ કપીલાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના આગેવાનો, મહિલાઓ, યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહીને રાજ્યપાલના વિચારોને વધાવી લીધા હતા.
