ગુજરાતમાં હોમસ્ટેની સંખ્યા 148થી વધીને 304 થઈ! સરકારે નિયમો હળવા કરતાં મળ્યો મોટો ફાયદો
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં સ્થાનિક નાગરિકોની ભાગીદારી વધારવા અને સ્વરોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ‘હોમસ્ટે નીતિ’માં ક્રાંતિકારી સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા છે. ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ (વેપાર કરવાની સરળતા) ના સંકલ્પને જમીની સ્તરે સાકાર કરવાના હેતુથી કરાયેલા આ નીતિગત ફેરફારોથી હવે સામાન્ય નાગરિકો માટે હોમસ્ટે શરૂ કરવો અને તેનું સંચાલન કરવું ઘણું સરળ અને સુગમ બની ગયું છે.
હોમસ્ટે નીતિમાં કયા-કયા મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા?
નવી સુધારેલી જોગવાઈઓ અનુસાર, હોમસ્ટે સંચાલકોની લાંબા સમયની માંગણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી પ્રક્રિયાઓનું સરળીકરણ કરવામાં આવ્યું છે. આ ફેરફારો નીચે મુજબ છે:
રૂમની મર્યાદામાં વધારો: અગાઉ હોમસ્ટેમાં મહત્તમ 6 રૂમ રાખવાની મંજૂરી મળતી હતી, જે હવે વધારીને 9 રૂમ કરવામાં આવી છે. આનાથી સંચાલકો વધુ પ્રવાસીઓને સમાવી શકશે અને તેમની આવકમાં સીધો વધારો થશે.
માલિકની પ્રત્યક્ષ હાજરીની અનિવાર્યતા દૂર: અત્યાર સુધી નિયમ હતો કે હોમસ્ટે પરિસરમાં મિલકતના માલિકે પોતે રહેવું ફરજિયાત હતું. હવે આ નિયમ હટાવી દેવામાં આવ્યો છે. માલિક પોતાના હોમસ્ટેના સંચાલન માટે કોઈ અધિકૃત મેનેજરની નિમણૂક કરી શકશે.
પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટમાંથી મુક્તિ: નોંધણી (રજિસ્ટ્રેશન) સમયે અગાઉ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત હતું, જે પ્રક્રિયામાં ઘણો સમય જતો હતો. હવે આ અનિવાર્યતા દૂર કરવામાં આવી છે. જોકે, પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીના ધોરણો અગાઉની જેમ જ ચુસ્તપણે સુનિશ્ચિત રાખવામાં આવ્યા છે.

ઓનલાઇન નોંધણી અને સેલ્ફ-રિન્યુઅલની સરળ વ્યવસ્થા
સરકારે ડિજિટલ પ્રક્રિયાને પ્રાધાન્ય આપતા હોમસ્ટેની નોંધણી અને તેના નવીનીકરણ (રિન્યુઅલ) ને અત્યંત પારદર્શી બનાવ્યું છે. હોમસ્ટેની નોંધણી બે વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે. સૌથી મોટી રાહતની વાત એ છે કે બે વર્ષ બાદ તેનું રિન્યુઅલ કરાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે કે ભૌતિક ચકાસણી (ફિઝિકલ ઇન્સ્પેક્શન) ની રાહ જોવી નહીં પડે.
સંચાલકો માત્ર ઓનલાઇન ‘સેલ્ફ-ડિક્લેરેશન’ (સ્વ-ઘોષણા) દ્વારા જ સેલ્ફ-રિન્યુઅલ કરી શકશે. રિન્યુઅલ સમયે નવી ભૌતિક તપાસ ફરજિયાત રહેશે નહીં, પરંતુ જરૂરિયાત જણાય ત્યારે રિસ્ક-બેઝ્ડ અથવા રેન્ડમ તપાસ થઈ શકશે. નવા હોમસ્ટેની નોંધણી માટે ઇચ્છુક નાગરિકોએ [https://commissionertourism.gujarat.gov.in/home-stay/register](https://commissionertourism.gujarat.gov.in/home-stay/register) વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
નાગરિકોને વ્યવસાયિક તાલીમ આપવા વિશેષ વર્કશોપનું આયોજન
આ નીતિગત સુધારાઓ માત્ર કાગળ પર સીમિત ન રહેતાં જમીની સ્તરે પરિણામલક્ષી સાબિત થાય તે માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) દ્વારા એક વિશેષ માર્ગદર્શન વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળોની આસપાસ રહેતા નાગરિકો પોતાની મિલકતને આધુનિક સુવિધાઓ સાથેના હોમસ્ટે તરીકે વિકસાવી શકે તે માટે તેમને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે.
આ વર્કશોપમાં પ્રવાસન ક્ષેત્રના તજજ્ઞો દ્વારા હોમસ્ટેનું યોગ્ય આયોજન, રૂમના ભાડા (ભાવ નિર્ધારણ) નક્કી કરવાની પદ્ધતિ, ઓનલાઇન બુકિંગ અને ડિજિટલ માર્કેટિંગ તેમજ સ્થાનિક સંસ્કૃતિ આધારિત પર્યટન પ્રવૃત્તિઓ કેવી રીતે વિકસાવવી તે અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છતા નાગરિકો [https://www.gujarattourism.com/forms/guide-tourist.html](https://www.gujarattourism.com/forms/guide-tourist.html) વેબસાઇટ પર જઈને પોતાની નોંધણી કરાવી શકે છે.
સ્થાનિક સંસ્કૃતિ અને આર્થિક સશક્તિકરણનો સંગમ
આ સમગ્ર પહેલ પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશ-વિદેશથી ગુજરાત આવતા પ્રવાસીઓને માત્ર હોટલના બંધ રૂમનો અનુભવ ન મળે, પરંતુ તેઓ ગુજરાતના સમૃદ્ધ વારસા, ભાતીગળ પરંપરા, સ્થાનિક ખાનપાન અને ગ્રામીણ જીવનશૈલીનો જીવંત અનુભવ કરી શકે. જ્યારે પ્રવાસીઓ સ્થાનિક પરિવારોના ઘરે રોકાય છે, ત્યારે તે વિસ્તારની હસ્તકલા, લોકસંગીત અને સ્થાનિક અર્થતંત્રને સીધો ફાયદો થાય છે, જેનાથી ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં આર્થિક સશક્તિકરણનું એક મજબૂત માળખું ઊભું થાય છે.
હોમસ્ટેની સંખ્યામાં 105 ટકાથી વધુનો ઐતિહાસિક ઉછાળો
રાજ્ય સરકારની ઉદ્યોગ-સાહસિકતા તરફી નીતિઓ અને ઝડપી મંજૂરીની પ્રક્રિયાના સકારાત્મક પરિણામો આંકડાઓમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં નોંધાયેલા હોમસ્ટેની સંખ્યા વર્ષ 2025-26માં 148 હતી, જે વર્ષ 2026-27માં 105.4 ટકાના જંગી ઉછાળા સાથે વધીને 304 સુધી પહોંચી ગઈ છે.
આ નોંધપાત્ર વૃદ્ધિ સાબિત કરે છે કે સામાન્ય નાગરિકોમાં હોમસ્ટે વ્યવસાય પ્રત્યે વિશ્વાસ અને ઉત્સાહ બમણો થયો છે. પરિણામે, ગુજરાતનું આ હોમસ્ટે મોડેલ આજે સામાજિક-આર્થિક પરિવર્તન અને સામુદાયિક પ્રવાસન (કોમ્યુનિટી ટુરિઝમ) નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને સમગ્ર દેશ સમક્ષ ઉભરી આવ્યું છે.
