ગિરનારની લીલી પરિક્રમામાં આ ભૂલો ભારે પડી શકે છે! વન મંત્રીએ શ્રદ્ધાળુઓને કરી ખાસ અપીલ
ભક્તિ, પ્રકૃતિ અને અતૂટ આસ્થાના ત્રિવેણી સંગમ સમાન જૂનાગઢની જગવિખ્યાત અને રોમાંચક ગિરનારની ‘લીલી પરિક્રમા-૨૦૨૬’ નો આગામી ૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. તા. ૨૦ નવેમ્બરની મધ્યરાત્રીએ શરૂ થનારી આ અલૌકિક પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે. યાત્રિકોના આ ભીડભાડ અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગર ખાતેથી રાજ્યભરના શ્રદ્ધાળુઓને આ પવિત્ર પરિક્રમાની હાર્દિક શુભકામનાઓ પાઠવતા પ્રકૃતિના જતન અને સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવા માટે નમ્ર અપીલ કરી છે.

વન મંત્રીની વિશેષ અપીલ: પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા અને સુરક્ષા પર ભાર
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ યાત્રિકોને અનુરોધ કર્યો છે કે ગિરનારના જંગલની દિવ્ય પવિત્રતા જળવાઈ રહે તે માટે કોઈ પણ શ્રદ્ધાળુ પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની પ્લાસ્ટિક બોટલો કે અન્ય કચરો જંગલમાં ન ફેંકે અને કચરાનો યોગ્ય નિકાલ કરે. આ ઉપરાંત, જંગલ વિસ્તારમાં પીવાના પાણીની મર્યાદિત વ્યવસ્થા અને રસ્તાની કઠિનતાને જોતાં વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને નાના બાળકોને આ પદયાત્રામાં સાથે ન લાવવા ખાસ સલાહ આપી છે.
જંગલમાં સૂકા ઘાસને કારણે આગ લાગવાની સંભાવના રહે છે, જેથી બીડી, સિગારેટ કે કોઈપણ પ્રકારની જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ સદંતર ટાળવો. ગીર અને ગિરનારનું આ જંગલ સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન છે, તેથી કોઈપણ યાત્રિકે નિર્ધારિત રૂટની બહાર ન જઈને હંમેશાં સમૂહમાં જ ચાલવું જોઈએ.
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક: તમામ સુવિધાઓ સુનિશ્ચિત
જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં યાત્રિકો માટે સુરક્ષા, પીવાના પાણી, વીજ પુરવઠો, આરોગ્ય, સ્વચ્છતા અને વાહનવ્યવહાર જેવી તમામ પાયાની સુવિધાઓને આખરી આકાર આપવામાં આવ્યો છે. કલેક્ટરએ જણાવ્યું હતું કે પરિક્રમાના સૌથી કઠિન ગણાતા ‘નળ પાણીની ઘોડી’ વિસ્તાર સહિત સમગ્ર રૂટ પર પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે વોટર સપ્લાય બોર્ડ દ્વારા ૩૩ બોર, ૯ કૂવા, ૭ હેન્ડપંપ અને ૫,૦૦૦ લિટર ક્ષમતાની ૫૦ ટાંકીઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, પાણીના શુદ્ધિકરણ માટે કંટ્રોલ રૂમ અને લેબોરેટરી ૨૪ કલાક કાર્યરત રહેશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ તા. ૧૮ નવેમ્બરથી ૪૩ લાખ લિટરના ભૂગર્ભ સંપ અને અન્ય સ્ત્રોતો દ્વારા સતત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
સ્વચ્છતા, આરોગ્ય અને વીજળી માટે વિશેષ વ્યવસ્થાઓ
જંગલ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકાના ૨૦૦ સફાઈ કામદારો અને ૧૭ સુપરવાઈઝરો રાઉન્ડ ધ ક્લોક (૨૪ કલાક) સફાઈ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરશે. કચરાના નિકાલ માટે પિકઅપ વાન, JCB અને ટ્રેક્ટર તૈનાત કરાયા છે. યાત્રિકોની સુવિધા માટે ૮ સ્થળોએ વિનામૂલ્યે જાહેર શૌચાલયો (જેમાં દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડર માટે વિશેષ વ્યવસ્થા છે) ઊભા કરવામાં આવ્યા છે.
આરોગ્ય સેવાઓ માટે ૧૧ કામચલાઉ દવાખાનાં, ૮ મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ અને મોબાઈલ હેલ્થ યુનિટ મૂકવામાં આવ્યા છે. નાકોડા UHC ખાતે વેન્ટિલેટર સાથેનું કામચલાઉ ICU અને ટિંબાવાડી CHC ખાતે દાખલ થવાની સુવિધા કરાઈ છે. વીજ પુરવઠા માટે PGVCL દ્વારા ૫ વૈકલ્પિક ફીડર તૈયાર કરાયા છે અને જંગલ રૂટ પર ૨૦ સ્થળોએ ડી.જી. સેટ સાથે હંગામી સિક્યુરિટી લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયંત્રણ
જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર પરિક્રમા ક્ષેત્રને ૮ ઝોનમાં વહેંચીને ૪૦ પોલીસ ચોકીઓ ઊભી કરવામાં આવી છે. સુરક્ષા માટે ૭ DySP, ૨૬ PI, ૭૫ PSI, ૯૦૦ પોલીસ જવાનો, ૫૦૦ હોમગાર્ડ, ૭૦૦ GRD, ૧ SRP કંપની અને ૧ SDRF પ્લાટૂન તૈનાત રહેશે. બહારથી આવતા વાહનો માટે ૪ એન્ટ્રી પોઈન્ટ અને પૂરતી પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. ભવનાથ વિસ્તારમાં વન-વે ટ્રાફિક રહેશે અને ખાનગી વાહનો, ફટાકડા તેમજ ખુલ્લા ખાદ્યપદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૨ માં ૧૨.૧૯ લાખ અને વર્ષ ૨૦૨૩ માં ૧૬.૨૫ લાખ શ્રદ્ધાળુઓએ આ પરિક્રમાનો લાભ લીધો હતો. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે ત્યારે તંત્રની આ સજ્જતાથી પરિક્રમા ખૂબ જ શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન સંપન્ન થશે તેવો વિશ્વાસ છે.
