અમદાવાદથી ગાંધીનગર સુધી વિસ્તરશે રિવરફ્રન્ટ, ફેઝ-2 અને 3નાં કામો પૂરજોશમાં!
અમદાવાદની શાન અને ઓળખ બની ચૂકેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું વિસ્તરણ હવે અત્યંત ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના મહત્વાકાંક્ષી ફેઝ-૨ અને ફેઝ-૩ અંતર્ગત ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની રૂબરૂ સ્થળ મુલાકાત લઈને ઝીણવટભરી સમીક્ષા હાથ ધરી હતી. પ્રોજેક્ટની ગુણવત્તા જળવાઈ રહે અને નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે હેતુથી મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા-વિચારણા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અચેરથી કેમ્પ સદર બજાર અને ઇન્દિરા બ્રીજ આસપાસના કામોનું ઝીણવટભર્યું નિરીક્ષણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની મુલાકાત દરમિયાન સાબરમતી નદીના બંને કાંઠે ચાલી રહેલા વિવિધ બાંધકામોનો તાગ મેળવ્યો હતો. તેમણે પશ્ચિમ કાંઠે અચેરથી લઈને પૂર્વ કાંઠે કેમ્પ સદર બજારને જોડતા અત્યંત મહત્વપૂર્ણ છ લેનના બેરેજ કમ બ્રીજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૨ અંતર્ગત નિર્માણ પામી રહેલા સરદાર પટેલ એન્ક્લેવ કેનોપી સ્ટ્રક્ચર, કોટેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગે તેમજ ઇન્દિરા બ્રીજની નીચેના વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકામોની પ્રગતિ પણ તેમણે પ્રત્યક્ષ નિહાળી હતી.
ફેઝ-૩ અંતર્ગત કોતરપુર અને કરાઈ નજીકના પ્રોજેક્ટની પ્રગતિનો તાગ મેળવ્યો
ફેઝ-૨ ઉપરાંત મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ના વિસ્તરણ કામોની પણ સમીક્ષા કરી હતી. સાબરમતી નદીના પશ્ચિમ છેડા તરફ કોતરપુર સામે અને પૂર્વ તરફ કરાઈ નજીક નર્મદા કેનાલ એસ્કેપ પાસે ચાલી રહેલી કામગીરીનું તેમણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કામની ગતિ અને ટેકનિકલ પાસાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી અને નાગરિકોને વહેલી તકે આ આધુનિક સુવિધાઓનો લાભ મળે તે માટે કામગીરી વધુ ઝડપી બનાવવા સૂચનાઓ આપી હતી.
ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની સમીક્ષા બેઠકમાં સહભાગિતા
મુખ્યમંત્રીની આ મહત્વપૂર્ણ સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠકોમાં અમદાવાદ અને ગાંધીનગર વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ જોડાયા હતા. જેમાં અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન આઈ. પી. ગૌતમ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત એએમસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગાંધીનગર સુધી રિવરફ્રન્ટનું જોડાણ થતું હોવાથી ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે. એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ પણ આ સમીક્ષામાં સહભાગી થયા હતા.

ફેઝ-૨ અને ફેઝ-૩ પૂર્ણ થતાં રિવરફ્રન્ટની લંબાઈ ૪૦ કિલોમીટર સુધી વિસ્તરશે
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના આ નવા તબક્કાઓ પૂર્ણ થવાની સાથે જ અમદાવાદ અને ગાંધીનગરના શહેરી માળખામાં મોટું પરિવર્તન આવશે. હાલના તબક્કા બાદ ફેઝ-૨ અને ફેઝ-૩ની કામગીરી પૂર્ણ થતાં સાબરમતી રિવરફ્રન્ટની કુલ લંબાઈ નદીની બંને બાજુએ થઈને ૪૦ કિલોમીટર જેટલી વિશાળ થશે. આયોજન મુજબ, ફેઝ-૨ અંતર્ગત નદીના બંને કાંઠે ડફનાળાથી લઈને ઇન્દિરા બ્રીજ સુધીના ૫.૫૦ કિલોમીટરના નદીના પટમાં (એટલે કે બંને બાજુ મળીને કુલ ૧૧ કિલોમીટર) રિવરફ્રન્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. જ્યારે ફેઝ-૩ અંતર્ગત ઇન્દિરા બ્રીજથી લઈને નર્મદા મેઈન કેનાલ સુધીના ૫ કિલોમીટરના વિસ્તારમાં (બંને બાજુ મળીને કુલ ૧૦ કિલોમીટર) રિવરફ્રન્ટનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાતનો પ્રથમ ઓટોમેટિક ‘એર ફિલ્ડ રબર ટાઈપ’ બેરેજ કમ બ્રીજ
આ સમગ્ર પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે બની રહેલો સિક્સ લેન બેરેજ કમ બ્રીજ છે. આ બ્રીજ સંપૂર્ણપણે ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમથી સંચાલિત હશે, જે આધુનિક એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો બની રહેશે. તેમાં ૩.૫ મીટરની ઊંચાઈ ધરાવતો ‘એર ફિલ્ડ રબર ટાઈપ સ્પેશ્યલાઈઝડ બેરેજ’ લગાવવામાં આવશે. આ વિશેષ ટેકનોલોજીના કારણે નદીના પાણીનું યોગ્ય નિયંત્રણ શક્ય બનશે અને ગાંધીનગર તરફના રિવરફ્રન્ટ વિસ્તારમાં બારેમાસ પાણી ભરાયેલું રહેશે. નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો આ સૌપ્રથમ અત્યાધુનિક બેરેજ કમ બ્રીજ બનવા જઈ રહ્યો છે, જે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની સાથે જળસંચયમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પર્યાવરણ અને નાગરિકોની સુખાકારી માટે વિશ્વકક્ષાની સુવિધાઓ
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રકલ્પમાં પર્યાવરણ અને નાગરિકોના આનંદ-પ્રમોદનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રિવરફ્રન્ટના આ નવા તબક્કાઓમાં નદીના બંને કાંઠે વિશાળ ગ્રીન ઝોન તૈયાર કરવામાં આવશે, જ્યાં અલગ-અલગ લેવલ પર મોટા પાયે વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળી ઊભી કરાશે.

આ ઉપરાંત, બાળકો માટે આધુનિક ચિલ્ડ્રન પ્લે એરિયા, સ્વાદરસિયાઓ માટે ફૂડ પ્લાઝા, કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા આર્ટ એન્ડ કલ્ચર ઝોન તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય અને વ્યાયામ માટે વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવશે. નદીના નજારાનો શાંતિથી આનંદ માણી શકાય તે માટે લોકો માટે જુદા-જુદા લેવલ પર આકર્ષક સીટીંગ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. ટૂંકમાં, આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના શ્રેષ્ઠ રિવરફ્રન્ટ પૈકી એક બની રહેશે.
