ગિફ્ટ સિટી અને ગ્રીન એનર્જી પર ગલ્ફ દેશોની નજર: કતાર, ઓમાન અને UAE પ્રવાસથી ગુજરાતને શું મળ્યું?
આગામી 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ (VGGS) ની 11મી આવૃત્તિની તૈયારીઓના ભાગરૂપે ગુજરાત સરકારે ખાડી દેશોમાં મોટી સફળતા મેળવી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સહેરાના નેતૃત્વમાં ગયેલા ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળે 25 થી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ની મુલાકાત લઈ રાજ્યમાં વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે મજબૂત પાયો નાખ્યો છે. એક અઠવાડિયાના આ પ્રવાસમાં 25થી વધુ વન-ટુ-વન બેઠકો, બિઝનેસ રાઉન્ડટેબલ અને ડાયસ્પોરા સંવાદો દ્વારા ખાડી દેશો સાથે ગુજરાતની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈ મળી છે.

સોવરેન વેલ્થ ફંડ્સ અને ગિફ્ટ સિટીમાં રોકાણ માટે ભારે ઉત્સાહ
આ મિશનનું સૌથી મોટું આકર્ષણ ત્રણેય દેશોના સોવરેન વેલ્થ ફંડ્સ અને અગ્રણી નાણાકીય સંસ્થાઓ સાથેનો સીધો સંવાદ રહ્યો હતો. કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA), ઓમાન ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (OIA) અને લિમાડ હોલ્ડિંગ્સ જેવી દિગ્ગજ સંસ્થાઓએ ગુજરાતના રોકાણ-લક્ષી વાતાવરણમાં ઊંડો રસ દાખવ્યો છે. પ્રતિનિધિમંડળે ખાસ કરીને ‘ગિફ્ટ સિટી’ (GIFT City) ખાતે બેંકિંગ, વીમા, ફંડ મેનેજમેન્ટ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) સ્થાપવાની તકો રજૂ કરી હતી. આ ઉપરાંત ડેટા સેન્ટર્સ, હેલ્થકેર, બાયોટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં પણ રોકાણ અંગે સકારાત્મક ચર્ચાઓ થઈ હતી.
ઉર્જા સુરક્ષા અને ગ્રીન એનર્જી ક્ષેત્રે લાંબા ગાળાની ભાગીદારી
મુલાકાત દરમિયાન ઉર્જા સહયોગ એક મુખ્ય આધારસ્તંભ બનીને ઉભર્યો હતો. કતાર એનર્જી, એડનોક (ADNOC), OQ અને ઓમાન LNG સાથેની બેઠકોમાં ઉર્જા સુરક્ષા, LNG, હાઇડ્રોજન, એનર્જી સ્ટોરેજ અને રિગેસિફિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ભવિષ્યના ઉર્જા ઉકેલો પર વિસ્તૃત વિચાર-વિમર્શ થયો હતો. ખાસ નોંધનીય બાબત એ રહી કે ADNOC ની રોકાણ શાખા ‘XRG’ એ ભારતમાં વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે તત્પરતા દર્શાવી છે.

બંદરો, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ
ઓમાન અને UAE સાથેના સંવાદથી દરિયાઈ વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે મોટી તકો ખુલી છે. ઓમાનના અસ્યાદ ગ્રુપ, પોર્ટ ઓફ દુકમ અને પોર્ટ ઓફ સોહાર સાથેની બેઠકમાં બંને દેશો વચ્ચે વેપાર કનેક્ટિવિટી વધારવા માટે ‘ગુજરાત-ઓમાન ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કોરિડોર’ વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડેલીગેશને ઓમાનની ‘ખઝાએન ઇકોનોમિક સિટી’ની મુલાકાત લઈ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક મોડલનો અભ્યાસ પણ કર્યો હતો. બીજી તરફ, UAE માં KEZAD ગ્રુપ, ટ્રાન્સવર્લ્ડ ગ્રુપ અને NESTO સાથે ફૂડ પ્રોસેસિંગ, કોલ્ડ-ચેઇન સુવિધાઓ, વેરહાઉસિંગ અને રિટેલ વિસ્તરણ અંગે મહત્વપૂર્ણ વાટાઘાટો થઈ હતી.
શહેરી વિકાસ, શિક્ષણ અને પ્રવાસી ગુજરાતીઓનો અદભુત પ્રતિસાદ
શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિશ્વપ્રસિદ્ધ EMAAR ગ્રુપ સાથે ગુજરાતમાં ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ્સ, કોમર્શિયલ રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચાઓ થઈ હતી. આ સાથે જ ગુજરાતની કૌશલ્યા યુનિવર્સિટી અને ઓમાનની શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સ્કિલિંગ, ફેકલ્ટી સહયોગ અને વર્કફોર્સ ડેવલપમેન્ટ માટે ભાગીદારીની તકો ચકાસવામાં આવી હતી.

આ સમગ્ર પ્રવાસમાં ત્રણેય દેશોમાં વસતા ગુજરાતી ડાયસ્પોરાનો ઉત્સાહ જોવા જેવો હતો. 500થી વધુ પ્રવાસી ગુજરાતી ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ અગ્રણીઓએ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરીને વતનમાં રોકાણ કરવાની અને જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સફળ મિશનથી ગલ્ફ ક્ષેત્ર અને ગુજરાત વચ્ચેના આર્થિક સંબંધોને નવું બળ મળ્યું છે.
