ગુજરાતમાં કરોડોના વિદેશી રોકાણની શક્યતા! સિંગાપોર અને દક્ષિણ કોરિયાની કંપનીઓ ઉત્સુક, સેમિકન્ડક્ટરથી લઈને ગ્રીન એનર્જી સુધીના ક્ષેત્રોમાં મળશે તક
ગુજરાતને દેશના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં જ ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. સિંગાપોર અને દક્ષિણ કોરિયાની અનેક કંપનીઓએ ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવા તેમજ વિવિધ ક્ષેત્રોમાં વ્યાપારિક ભાગીદારી વિકસાવવામાં રસ દાખવ્યો છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર, શિપબિલ્ડિંગ, ડિજિટલ ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં ગુજરાતને નવી તકો મળી શકે છે.
સાનંદમાં રૂ. 1,000 કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટની શક્યતા
આ સમગ્ર પ્રવાસ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ રોકાણ પ્રસ્તાવ સાનંદમાંથી સામે આવ્યો છે. ભારત સેમિટેક (Bharat SemiTech) દ્વારા સાનંદમાં સેમિકન્ડક્ટર સાધનોનું ઉત્પાદન કરતી ફેક્ટરી સ્થાપવામાં રસ દર્શાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 1,000 કરોડનું રોકાણ કરવાની સંભાવના છે.

જો આ પ્રસ્તાવ સાકાર થાય તો ગુજરાતના સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રને નવી દિશા મળી શકે છે. સાથે જ સાનંદમાં વિકસી રહેલા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના ઇકોસિસ્ટમને પણ વધુ મજબૂતી મળશે. આ પ્રકારના પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થવાની અને સહાયક ઉદ્યોગોને પણ લાભ મળવાની શક્યતા છે.
ગુજરાતના મંત્રીએ સિંગાપોર અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિનું આયોજન 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરમાં થવાનું છે. આ સમિટની તૈયારીઓના ભાગરૂપે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 19થી 26 ઓક્ટોબર દરમિયાન સિંગાપોર અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી.
આ આઠ દિવસના પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય કંપનીઓને ગુજરાતમાં રોકાણ માટે પ્રોત્સાહિત કરવાનો અને વૈશ્વિક ઉદ્યોગો સાથે વ્યાપારિક સંબંધો મજબૂત કરવાનો હતો.
સિંગાપોરમાં 20 બેઠકો, દક્ષિણ કોરિયામાં 25 બેઠકો
સિંગાપોરમાં પ્રતિનિધિમંડળે કુલ 20 બેઠકો અને મુલાકાતો કરી હતી. તેમાં 9 વ્યક્તિગત બિઝનેસ મીટિંગ, 2 સરકારથી સરકાર વચ્ચેની બેઠકો, 5 રાઉન્ડ ટેબલ ચર્ચા અને 4 સ્થળ મુલાકાતનો સમાવેશ થયો હતો.
પ્રતિનિધિમંડળે માઇક્રોન સેમિકન્ડક્ટર, ASMPT અને A*STAR ફ્યુઝનોપોલિસ જેવી અગ્રણી ટેક્નોલોજી સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી.
ત્યારબાદ દક્ષિણ કોરિયામાં કુલ 25 બેઠકો અને મુલાકાતો યોજાઈ હતી. તેમાં 15 વ્યક્તિગત બિઝનેસ મીટિંગ, 3 રાઉન્ડ ટેબલ ચર્ચા અને 7 સ્થળ મુલાકાતનો સમાવેશ થાય છે. અહીં શિપબિલ્ડિંગ, ડિસ્પ્લે ટેક્નોલોજી, ડેટા સેન્ટર, કેમિકલ્સ, બાયોટેક્નોલોજી, રોબોટિક્સ અને ક્લીન એનર્જી ક્ષેત્રની કંપનીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
રોકાણકારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાની માંગ
દક્ષિણ કોરિયાની કેટલીક કંપનીઓએ ગુજરાતમાં રોકાણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાજ્ય સરકારમાં એક ખાસ સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) એટલે કે એક જ સંપર્ક અધિકારીની નિમણૂક કરવાની ભલામણ કરી છે. જેથી વિદેશી રોકાણકારોને પ્રોજેક્ટની મંજૂરી, જરૂરી માર્ગદર્શન અને અન્ય વહીવટી પ્રક્રિયાઓમાં સરળતા રહે.
વાઇબ્રન્ટ ગુજરાત 2027થી નવી આશાઓ
ગુજરાતમાં સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, આધુનિક ઉત્પાદન, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, હેલ્થકેર અને ડિજિટલ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મોટી સંભાવનાઓ છે.
આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે થયેલી આ ચર્ચાઓ કેટલા પ્રોજેક્ટમાં પરિવર્તિત થાય છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. જોકે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં સિંગાપોર અને દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવેલો રસ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. હવે સૌની નજર આગામી સમિટ અને તેમાં થનારી રોકાણલક્ષી જાહેરાતો પર રહેશે.

