ક્રોમમાં મળી ગંભીર ખામીઓ! એક ભૂલથી હેકર્સ મેળવી શકે છે કંટ્રોલ
જો તમે પણ ઇન્ટરનેટ ચલાવવા માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In (ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) દ્વારા ગૂગલ ક્રોમમાં કેટલીક ગંભીર ટેકનિકલ ખામીઓ (Vulnerabilities) મળી આવ્યા બાદ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ખામીઓને કારણે દુનિયાભરના કરોડો યૂઝર્સની પ્રાઈવસી અને સુરક્ષા પર જોખમ તોળાઈ રહ્યું છે.

ક્રોમમાં કઈ-કઈ જગ્યાએ મળી આવી ખામીઓ?
CERT-Inના અહેવાલ મુજબ, ગૂગલ ક્રોમના જાવાસ્ક્રિપ્ટ એન્જિન (JavaScript Engine), જીપીયુ (GPU), ફાઇલસિસ્ટમ (FileSystem) અને વેબજીએલ (WebGL) સાથે જોડાયેલી સિસ્ટમમાં ગંભીર ટેકનિકલ ક્ષતિઓ મળી આવી છે. સાયબર હુમલાખોરો કોઈ ખાસ ડિઝાઇન કરેલા વેબપેજ કે લિંક દ્વારા આ ખામીઓનો ફાયદો ઉઠાવી શકે છે.
એજન્સીએ જણાવ્યું છે કે જો યૂઝર્સ સાવચેત ન રહે તો આ ખામીઓના કારણે ડિવાઇસમાં ખતરનાક કોડ રન થઈ શકે છે, સિક્યોરિટી પ્રતિબંધો તૂટી શકે છે અથવા તો બ્રાઉઝર અચાનક ક્રેશ પણ થઈ શકે છે. આમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે CVE-2026-125350 નામની એક એવી ખામી પણ સામે આવી છે, જેનો દુરુપયોગ હેકર્સ પહેલેથી જ કરી રહ્યા છે. જોકે, ગૂગલે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આ હુમલા પાછળ કોણ છે અને તેનો ચોક્કસ ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે.
કયા વર્ઝન પર સૌથી મોટું જોખમ છે?
CERT-In દ્વારા ૧૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ આ સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, જે યૂઝર્સ ગૂગલ ક્રોમનું જૂનું વર્ઝન વાપરી રહ્યા છે, તેઓ આ જોખમની સૌથી વધુ ઝપેટમાં આવી શકે છે. આ ઉપરાંત, ‘ક્રોમ એક્સટેન્ડેડ સ્ટેબલ’ (Chrome Extended Stable) ના જૂના વર્ઝનનો ઉપયોગ કરનારાઓ માટે પણ સુરક્ષાનું મોટું જોખમ ઊભું થયું છે.
સરકારી એજન્સીએ આ તમામ ખામીઓને અત્યંત ગંભીર કેટેગરીમાં મૂકી છે. જો તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં ક્રોમનું જૂનું વર્ઝન ચાલી રહ્યું છે, તો હેકર્સ તમારા પૂરા સિસ્ટમ પર સરળતાથી નિયંત્રણ મેળવી શકે છે.
ગૂગલ ક્રોમ સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક શું કરશો?
આ જોખમથી બચવા માટે CERT-In અને ગૂગલ બંનેએ યૂઝર્સને તાત્કાલિક ધોરણે બ્રાઉઝર અપડેટ કરવાની સલાહ આપી છે. કમ્પ્યુટર અથવા લેપટોપમાં ક્રોમ અપડેટ કરવાની સરળ રીત નીચે મુજબ છે:
સૌથી પહેલા તમારા કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ ખોલો.
સ્ક્રીનની ઉપર જમણી બાજુએ આપેલા ત્રણ ટપકાં (Dots) પર ક્લિક કરો.
હવે Help (મદદ) વિકલ્પમાં જઈને About Google Chrome પર જાઓ.
આમ કરવાથી બ્રાઉઝર આપમેળે નવા અપડેટની તપાસ કરશે.
જો કોઈ નવું અપડેટ ઉપલબ્ધ હશે, તો તે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે.
અપડેટ ઇન્સ્ટોલ થયા બાદ ક્રોમને ફરીથી શરૂ (Restart) કરવા માટે કહેવામાં આવશે, જેથી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે.

મોબાઈલ યૂઝર્સ કઈ બાબતોનું ધ્યાન રાખે?
માત્ર કમ્પ્યુટર જ નહીં, પરંતુ એન્ડ્રોઇડ (Android) અને આઇફોન (iPhone) વાપરતા મોબાઈલ યૂઝર્સે પણ સાવચેત રહેવાની જરૂર છે. મોબાઇલ યૂઝર્સ પોતપોતાના ફોનના એપ સ્ટોર (Google Play Store અથવા Apple App Store) પર જઈને ગૂગલ ક્રોમ એપ્લિકેશનને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરી શકે છે.
આ ઉપરાંત, ગૂગલના અધિકૃત ક્રોમ રિલીઝ અપડેટ પેજ પર જઈને પણ નવા સિક્યોરિટી પેચ વિશેની માહિતી મેળવી શકાય છે. જ્યાં સુધી તમારું બ્રાઉઝર સંપૂર્ણપણે અપડેટ ન થાય, ત્યાં સુધી ઇન્ટરનેટ પર કોઈપણ શંકાસ્પદ લિંક, અજાણી વેબસાઇટ્સ કે ફાઇલ ખોલવાનું ટાળવું જોઈએ, જેથી તમારી અંગત માહિતી સુરક્ષિત રહી શકે.