ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી: ગુજરાતમાં ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

“આપણી જમીન, આપણું રાજ”: ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીએ રાજ્યભરમાં થશે ઐતિહાસિક ઉજવણી!

ગુજરાતમાં આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને ગૌરવ સમાન ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં ‘રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ’ની મસમોટી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૨ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ સપ્તાહવ્યાપી કાર્યક્રમો અંગે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રસંગે આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ વસાવા તેમજ અન્ય મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન દ્વારા ઐતિહાસિક સન્માન અને વિકાસના નવા આયામો

પત્રકાર પરિષદને સંબોધતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, માત્ર ૨૫ વર્ષની નાની વયે અંગ્રેજો સામે જળ, જંગલ અને જમીન માટે અદભુત લડત આપનાર ભગવાન બિરસા મુંડાજીના અમૂલ્ય યોગદાનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે જાહેર કરીને સાચા અર્થમાં ઐતિહાસિક સન્માન આપ્યું છે. આગામી ૧૫ નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યમાં રૂ. ૨,૩૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે જ આદિવાસી સમાજની લાંબી માંગણી સંતોષીને ૧૮,૮૨૮થી વધુ લાભાર્થીઓને ૭/૧૨ની નોંધ સાથેના જમીનના અધિકારપત્રો એનાયત કરાશે.

- Advertisement -

gujarat 122.jpg

‘જોહર કેફે’ અને ‘શબરી બુથ’ દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને રોજગારીને પ્રોત્સાહન

આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે સરકારે અનેક આકર્ષક યોજનાઓ બનાવી છે. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં સ્થાનિક વાનગીઓ, કળા અને ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ અપાવવા માટે ‘જોહર કેફે’ શરૂ કરવામાં આવશે. ઉપરાંત, આદિજાતિ ક્ષેત્રોના હાટ બજારોમાં સરકારી યોજનાઓની માહિતી સરળતાથી મળી રહે અને પ્રાકૃતિક ખેતીની ચીજવસ્તુઓનું વેચાણ થઈ શકે તે માટે ‘શબરી બુથ’ શરૂ કરાશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જે વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાઓ નથી ત્યાં નવી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે તથા મહત્વના માર્ગો, સર્કલો અને વિદ્યાર્થીઓની હોસ્ટેલોનું નામકરણ પણ તેમના જ નામ પરથી કરવામાં આવશે. વર્ષ ૨૦૦૭માં માત્ર રૂ. ૧૫ હજાર કરોડથી શરૂ થયેલી ‘વનબંધુ કલ્યાણ યોજના’નું બજેટ આજે વધીને રૂ. ૨ લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જેના કારણે આ સમાજના યુવાનો આજે મેડિકલ, એન્જિનિયરિંગ અને IIT જેવી ઉચ્ચ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.

- Advertisement -

“આપણી જમીન, આપણું રાજ” – જન-જન સુધી પહોંચશે સંદેશ

આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ વસાવાએ “જય જોહાર”ના નાદ સાથે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજીએ આપણને “આપણી જમીન, આપણું રાજ” જેવું ક્રાંતિકારી સૂત્ર આપ્યું હતું. આ મહાન સંદેશ ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ૧૪ આદિવાસી જિલ્લાઓની ૫૫ વિધાનસભા બેઠકો પર આ સપ્તાહ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન યોજાનારા વિશેષ કાર્યક્રમોનું આયોજન:

  • ૧૨ નવેમ્બર: રાજ્યભરમાં પત્રકાર પરિષદો દ્વારા આ મહાઅભિયાનનો શુભારંભ.

  • ૧૩ નવેમ્બર: ૫૫ વિધાનસભા બેઠકો પર આશરે ૫૦૦ યુવાનોની ઉપસ્થિતિમાં ‘યુવા સભા’, જેમાં યુવાનોને બિરસા મુંડાના જીવનચરિત્રથી અવગત કરાશે.

  • ૧૪ નવેમ્બર: સવારે પ્રતિમાઓ પાસે સ્વચ્છતા અભિયાન, બપોરે સ્થાનિક સાધુ-સંતો અને ગાદીપતિઓનું સન્માન તથા સાંજે ૬ વાગ્યે ૪,૫૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં ઇતિહાસનું પઠન, ૧૨ થી ૧૩ આદિવાસી બોલીઓમાં તૈયાર થયેલી વિશેષ આરતી અને ઘરે-ઘરે દીપોત્સવની ઉજવણી.

  • ૧૫ નવેમ્બર: મંત્રીમંડળના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા અને મહાનગર કક્ષાએ વિશાળ જાહેર સભાઓ.

  • ૧૬ નવેમ્બર: આદિવાસી સમાજના નિવૃત્ત અધિકારીઓ, ડોક્ટરો, ઇજનેરો અને પ્રગતિશીલ આગેવાનોનું વિશેષ ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’.

  • ૧૭ નવેમ્બર: ૫૫ વિધાનસભા ક્ષેત્રોમાં આદિવાસી પરંપરાગત રમતોત્સવનું આયોજન.

  • ૧૮ નવેમ્બર: અંદાજે ૫૦૦ આદિજાતિ બહેનોની ઉપસ્થિતિમાં વિશાળ ‘મહિલા સભા’ સાથે આ સપ્તાહવ્યાપી ભવ્ય મહોત્સવનું સમાપન થશે.

આ સમગ્ર આયોજનથી આદિવાસી સમાજમાં નવસંચાર અને ગૌરવની લાગણી ફેલાશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.