ગુજરાતમાં કચરાના નવા નિયમો લાગુ! હવે ભીનો, સૂકો સહિત 4 પ્રકારનો કચરો અલગ આપવો પડશે

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

‘આપણો કચરો, આપણી જવાબદારી!’ ગુજરાતમાં સ્વચ્છતા માટે સરકારનું નવું અભિયાન

“સ્વચ્છ ગુજરાત – સ્વસ્થ ગુજરાત”ના મક્કમ સંકલ્પ સાથે ગુજરાત સરકારે સ્વચ્છતાના ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહેવા માટે કમર કસી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કુશળ અને દીર્ઘદ્રષ્ટિવાળા માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક વ્યાપક મોરચો ખોલવામાં આવ્યો છે. નામદાર સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશોને અક્ષરસઃ પાલન કરાવવા માટે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ (Solid Waste Management Rules-2026) અંતર્ગત રાજ્યભરમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જનભાગીદારીની તાકાતથી ગુજરાતના નાગરિકો હવે પોતાના શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

Bhupendra Patel CM.jpg

- Advertisement -

સ્વચ્છતા એ માત્ર સરકારની નહીં, પ્રત્યેક નાગરિકની પવિત્ર જવાબદારી છે

કોઈપણ અભિયાન ત્યારે જ સફળ થાય જ્યારે તેમાં જનતા જનાર્દનનો સહયોગ સાંપડે. સ્વચ્છતા એ માત્ર સરકારી તંત્ર કે સફાઈ કામદારોની જ નહીં, પરંતુ આપણા સૌની સામૂહિક નૈતિક જવાબદારી છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે કે ઘરમાં કે ઓછો કચરો ઉત્પન્ન થાય ત્યાંથી જ તેની શરૂઆત કરવી જોઈએ. કચરાના નિકાલ માટે ચાર પ્રકારે વર્ગીકરણ કરવું અનિવાર્ય છે: (૧) ભીનો કચરો, (૨) સૂકો કચરો, (૩) સેનિટરી કચરો અને (૪) ખાસ કાળજી માગતો કચરો. આ ચારેય પ્રકારના કચરાને અલગ-અલગ જ રાખીને મ્યુનિસિપાલિટીના ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કરતા વાહનોમાં જ આપવો જોઈએ. કચરો ક્યારેય જાહેરમાં ફેંકવો નહીં કે તેને સળગાવવો નહીં. આપ સૌના સહકારથી જ ગુજરાત દેશભરમાં સ્વચ્છતાની રેસમાં પ્રથમ ક્રમે જળવાઈ રહેશે. આ ઉપરાંત, ઉત્કૃષ્ટ કામગીરી કરતી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને પ્રોત્સાહિત કરવા માટે ‘મારું શહેર, સ્વચ્છ શહેર એર્ડ’ પણ એનાયત કરવામાં આવે છે.

- Advertisement -

ઘન કચરા વ્યવસ્થાપન નિયમો, ૨૦૨૬ અંતર્ગત મહત્વની જોગવાઈઓ

રાજ્યમાં ગત ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવેલા નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો અંતર્ગત કડક માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે મુજબ દરેક શહેરી વિસ્તારમાં ઘરે-ઘરેથી ૧૦૦ ટકા કચરાનું કલેક્શન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. કચરાનું ચાર સ્તરીય વર્ગીકરણ (ભીનો, સૂકો, સેનિટરી અને ખાસ કાળજીવાળો) ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

આ સાથે જ, મોટા એકમો જેવા કે હોટેલ્સ, કોમ્પ્લેક્સીસ, સંસ્થાઓ, મોટી સોસાયટીઓ અને વ્યાપારી ઓફિસો કે જેઓ ઘન કચરા વ્યવસ્થાપન નિયમોના નિશ્ચિત માપદંડો પૂરા કરે છે (જેમ કે ૨૦,૦૦ સ્ક્વેર મીટર કે તેથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતા હોય, રોજનું ૪૦,૦૦૦ લિટર કે તેથી વધુ પાણી વાપરતા હોય, કે દૈનિક ૧૦૦ કિલોગ્રામથી વધુ કચરો પેદા કરતા હોય – Bulk Waste Generators/BWGs), તેમણે પોતાના પરિસરમાં જ ભીના કચરાના નિકાલ માટે ડિસેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ પ્લાન ગોઠવવાનો રહેશે. તેમજ સૂકા કચરાનો નિકાલ રજિસ્ટર્ડ અથવા ઓથોરાઈઝ્ડ એજન્સીઓ મારફતે જ કરાવવાનો રહેશે. આ સમગ્ર અભિયાનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ‘લીડ ફેસિલિટેટર’ તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

- Advertisement -

amreli development projects 700 crore bhupendra patel.jpeg

જિલ્લા કક્ષાએ સ્પેશિયલ સેલની રચના અને વ્યાપક તાલીમ અભિયાન

નિયમોના ચુસ્ત અમલ અને સઘન મોનિટરિંગ માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘સ્પેશિયલ સેલ’ની રચના કરવામાં આવી છે. રાજ્ય સ્તરેથી ખાસ વર્કશોપનું આયોજન કરીને તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, મહાનગરપાલિકા તથા નગરપાલિકાના અધિકારીઓ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા ગ્રાઉન્ડ સ્ટાફને વિશેષ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રાદેશિક કક્ષાએ પણ વિવિધ પ્રશિક્ષણ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોથી લઈને ફ્લેટ, સોસાયટીઓ અને મોહલ્લાના રહેવાસીઓ સુધી જનસંપર્ક વધારવામાં આવ્યો છે. સફાઈ કામદારો, ડોર-ટુ-ડોર વાહનોના ડ્રાઇવરો, અટેન્ડન્ટ્સ, સુપરવાઈઝર્સ અને સેનેટરી ઇન્સ્પેક્ટર્સના સહયોગથી નાગરિકો પાસે સ્વચ્છતાના સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા છે, જેથી જનમાનસમાં સ્વચ્છતા પ્રત્યે આદર અને જાગૃતિ કેળવાય.

માર્શલ્સ દ્વારા મોનિટરિંગ, સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર અને વોટ્સએપ હેલ્પલાઇન

નાગરિકોની વધુ અવરજવર અને ભીડભાડવાળા વિસ્તારો પર સતત બાજ નજર રાખવા માટે ‘સ્વચ્છતા માર્શલ’ તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ સતત સફાઈની કામગીરીનું મોનિટરિંગ કરે છે. નાની વયથી જ બાળકોમાં સ્વચ્છતાના સંસ્કારો સિંચાય તે હેતુથી શાળાના વિદ્યાર્થીઓને ખાસ પ્રેક્ટિકલ બુક્સનું વિતરણ કરવામાં આવ્યું છે, જેને તેઓ પોતાના વ્યવહારુ જીવનમાં ઉતારી શકે.

ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નામદાર સુપ્રીમ કોર્ટના તમામ પેરામીટર્સનું ‘સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર’ (SSK) પોર્ટલ પર મેપિંગ કરવામાં આવ્યું છે, જેના દ્વારા ઓનલાઈન મોનિટરિંગ અને ટ્રેનિંગની કામગીરી સુચારુ રૂપે ચાલે છે. નાગરિકો પોતાની સ્વચ્છતા સંબંધિત ફરિયાદો ત્વરિત નોંધાવી શકે તે માટે ખાસ વોટ્સએપ હેલ્પલાઇન નંબર 76228 80000 કાર્યરત કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન પર આવતી ફરિયાદોમાંથી ૨૪ કલાકની અંદર અંદર આશ્ચર્યજનક રીતે ૯૯ ટકા જેટલી ફરિયાદોનો સફળતાપૂર્વક અને સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે છે.

આવો, “આપણો કચરો, આપણી જવાબદારી” અને “મારું ગુજરાત, સ્વચ્છ ગુજરાત” ના ઉમદા મંત્રને ચરિતાર્થ કરવા માટે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ અને આપણા રાજ્યને સ્વચ્છતાની બાબતમાં દેશભરમાં રોલ મોડેલ બનાવીએ.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.