મારુતિથી ટાટા મોટર્સ સુધી નોકરીની તક! ગુજરાતના આદિવાસી યુવાનોને ₹5 લાખ સુધીનું પેકેજ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

હવે આદિવાસી યુવાનો પણ મોટી કંપનીઓમાં કરશે નોકરી! તાલીમથી મળી રહ્યું છે લાખોનું પેકેજ

ગુજરાતના છેવાડાના અને આદિવાસી વિસ્તારોમાં વસતા યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી, તેમને યોગ્ય દિશા અને આધુનિક કૌશલ્ય પૂરું પાડવામાં આવે તો તેઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ રહે તેમ નથી. રાજ્ય સરકારની આ જ દૂરંદેશી વિચારસરણીનું ઉત્તમ પરિણામ આજે ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ’ (VTC) ના માધ્યમથી જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૬ હજારથી વધુ આદિજાતિ યુવક-યુવતીઓને વિવિધ ઔદ્યોગિક અને વ્યવસાયલક્ષી ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાની તાલીમ આપવામાં આવી છે, જેમાંથી આશરે ૫૧ હજારથી વધુ તાલીમાર્થીઓને સફળતાપૂર્વક રોજગારી મળી ચૂકી છે.

અનુસૂચિત જનજાતિના ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના યુવક-યુવતીઓને ગુણવત્તાસભર તાલીમ આપીને આર્થિક રીતે પગભર અને આત્મનિર્ભર બનાવવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે વર્ષ ૨૦૦૮ થી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આજે આ યોજના હજારો આદિવાસી પરિવારો માટે આર્થિક સમૃદ્ધિનું દ્વાર બની ગઈ છે.

- Advertisement -

image 22.png

આદિજાતિ વિસ્તારોમાં કાર્યરત ૯ મુખ્ય વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ

રાજ્યના છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, ભરૂચ અને નવસારી જેવા આદિજાતિ બહુલ વિસ્તારોમાં ૯ જેટલા પ્રમુખ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો અત્યંત સક્રિય રીતે કાર્યરત છે, જ્યાં સ્થાનિક યુવાનોને પોતાના ઘરઆંગણે જ વિશ્વસ્તરીય તાલીમ મળી રહી છે:

- Advertisement -
  • છોટાઉદેપુર અને વડોદરા વિસ્તાર: અહીં શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ (પાલડી-વાઘોડિયા), ઓલ ગુજરાત ડ્રાઇવિંગ ઇન્સ્ટિટ્યૂટ (વાઘોડિયા) અને મુનિ સેવા આશ્રમ (ગોરજ) ખાતે યુવાનોને વિવિધ ટ્રેડમાં તૈયાર કરવામાં આવે છે.

  • વલસાડ જિલ્લો: અહીં વાઘલધરા વિભાગ કેળવણી મંડળ, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને પ્રમુખ સ્વામી વોકેશનલ તાલીમ કેન્દ્ર (ધરમપુર) યુવાનોના કૌશલ્ય ઘડતરનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.

  • દાહોદ, ભરૂચ અને નવસારી: દાહોદમાં ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ, ભરૂચમાં સેવા રૂરલ ટ્રસ્ટ અને નવસારીમાં ભારત સરકારની પ્રતિષ્ઠિત સંસ્થા ‘સિપેટ’ (CIPET) દ્વારા પ્લાસ્ટિક ઈજનેરી જેવા ટેકનિકલ ક્ષેત્રમાં વિશેષ તાલીમ આપવામાં આવે છે.

વર્તમાન બજાર અને ઉદ્યોગોની માંગને ધ્યાનમાં રાખીને આ તમામ કેન્દ્રોમાં આશરે ૭૦ જેટલા વિવિધ રોજગારલક્ષી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે અહીં તાલીમાર્થીઓને વિનામૂલ્યે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે, સાથે જ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવા પર્સનાલિટી ડેવલપમેન્ટની તાલીમ પણ અપાય છે. નિયમ મુજબ, તાલીમ પૂર્ણ થયા બાદ ઓછામાં ઓછા ૭૫ ટકા તાલીમાર્થીઓને રોજગારી અપાવવાની જવાબદારી પણ જે-તે સંસ્થા દ્વારા નિભાવવામાં આવે છે.

ગાંધીનગરનું iACE બન્યું આદિજાતિ યુવાનો માટે કૌશલ્ય વિકાસનું શ્રેષ્ઠ કેન્દ્ર

રાજ્યમાં કૌશલ્ય વિકાસ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ગાંધીનગરના ‘નોલેજ કોરિડોર’ ખાતે ૧૭ હજાર ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું ‘ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ’ (iACE) આદિજાતિ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL) ના ૫૦-૫૦ ટકા ઇક્વિટી હિસ્સા સાથેના આ સંયુક્ત સાહસમાં એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ITI પાસ યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવે છે. અહીં શિક્ષણની પદ્ધતિ અનોખી છે—જેમાં ૮૦ ટકા પ્રેક્ટિકલ અને માત્ર ૨૦ ટકા થિયરી આધારિત વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. ૩૦ થી ૩૫ નિષ્ણાત ટ્રેનર્સ ધરાવતા આ અત્યાધુનિક કેન્દ્રમાં હાલ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.

iACE ખાતે ‘હાઈ એન્ડ સ્કિલ ટ્રેનિંગ’ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧ માં પ્રથમ બેચની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે ૪ હજારથી વધુ યુવાનો તાલીમબદ્ધ થયા છે, જેમાં વર્ષ ૨૦૨૪ થી અત્યાર સુધીમાં ૮૦૦ જેટલા આદિજાતિ યુવાનોએ ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી છે. અહીં ૩ મહિનાની વિશેષ તાલીમ ઉપરાંત ૧ વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, ૬ મહિનાના એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ અને ૩ વર્ષનો બી.એસ.સી. ટ્રાન્સપોર્ટેશન એન્ડ મોબિલિટી કોર્સ પણ ઉપલબ્ધ છે. તદુપરાંત, વર્ષ ૨૦૨૧ માં સ્થપાયેલ ‘પ્રેરણા’ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા યુવાનોને સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતા માટે પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.

- Advertisement -

નામાંકિત કંપનીઓમાં પ્લેસમેન્ટ અને રૂ. ૨.૫ થી ૫ લાખ સુધીના વાર્ષિક પેકેજ

આ સંસ્થા ખાતે ઓટોમોટિવ ફંડામેન્ટલ્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ડ્રાઇવ સિસ્ટમ્સ, પાવરટ્રેન, રોબોટિક વેલ્ડિંગ, મશીનિંગ, પ્લાસ્ટિક્સ અને પેઇન્ટ ટેક્નોલોજી, ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી તેમજ મેનેજરિયલ અને સોફ્ટ સ્કિલ્સ જેવા વિષયોમાં અત્યાધુનિક લેબોરેટરી દ્વારા પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે.

આ વિશિષ્ટ તાલીમ પૂર્ણ કર્યા બાદ યુવાનોને દેશ-વિદેશની ટોચની ઓટોમોબાઈલ કંપનીઓ જેવી કે મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, MG મોટર્સ, હ્યુન્ડાઈ, ક્રિષ્ના મારુતિ અને મધરસન સુમીમાં સીધું પ્લેસમેન્ટ મળે છે. આ રોજગારી અંતર્ગત બી.ટેક. સ્નાતક યુવાનોને વાર્ષિક રૂ. ૪ થી ૫ લાખ અને ITI પાસ યુવાનોને વાર્ષિક રૂ. ૨.૫ લાખ સુધીના આકર્ષક પગાર પેકેજ પ્રાપ્ત થઈ રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના સક્રિય નેતૃત્વ હેઠળ રાજ્યના અનુસૂચિત જનજાતિના યુવાનોને કૌશલ્યબદ્ધ બનાવી આત્મનિર્ભર બનાવવાની દિશામાં ભગીરથ કામગીરી થઈ રહી છે. આ પ્રયાસોના પરિણામે રાજ્યના છેવાડાના આદિજાતિ યુવાનો આજે ઉચ્ચ કૌશલ્ય અને આકર્ષક પગાર સાથે વડાપ્રધાનના ‘વિકસિત ભારત@૨૦૪૭’ ના ભવ્ય વિઝનમાં સક્રિય ભાગીદાર બની રહ્યા છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.