સ્થાનિક માલધારીઓને પોલીસ કાર્યવાહીની બીક બતાવી દબાણ કરાતું હોવાના આક્ષેપ; રાજ્ય સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ
કચ્છમાં નિર્માણાધીન NTPC સોલાર પ્રોજેક્ટને લઈને સ્થાનિક માલધારીઓ અને પશુપાલકોનો વિરોધ હવે વધુ ઘેરો બન્યો છે. આ સમગ્ર વિવાદ વચ્ચે કચ્છના વહીવટી દાયરાના એક ઉચ્ચ અધિકારીની ભૂમિકા અંગે પણ ગંભીર ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
સમજાવટને બદલે ધમકી અને દબાણના આક્ષેપ સ્થાનિક માલધારીઓનો આક્ષેપ છે કે, પેઢીઓથી જે વિસ્તારમાં તેઓ પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યાં પ્રોજેક્ટની કામગીરી આગળ ધપાવવા માટે સમજાવટ કે યોગ્ય સંવાદને બદલે કથિત રીતે ધમકી અને પોલીસ કાર્યવાહીની બીક બતાવવામાં આવી રહી છે. સ્થાનિકોના મતે તેમની રજૂઆતોને સાંભળવાને બદલે દબાણ ઊભું કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે.
View this post on Instagram
પરોક્ષ કોન્ટ્રાક્ટની ચર્ચાથી ગરમાયો માહોલ આ મામલે સૌથી ચોંકાવનારી ચર્ચા એ છે કે પ્રોજેક્ટના કામકાજમાં કચ્છના એક ઉચ્ચ અધિકારીનું કથિત રીતે ‘ઇનડાયરેક્ટ’ (પરોક્ષ) હિત અથવા કોન્ટ્રાક્ટ જોડાયેલો છે. સ્થાનિક સ્તરે એવા સવાલો ઊઠી રહ્યા છે કે શું આ જ પરોક્ષ હિતોને સાચવવા માટે સ્થાનિક પશુપાલકો પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે? જોકે, આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ચર્ચાઓએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.
ગાંધીનગરથી સીધી અને નિષ્પક્ષ તપાસની માંગ ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિકોના આક્ષેપો અને ચર્ચાઓમાં કેટલું તથ્ય છે, અને ચર્ચામાં રહેલા એ ઉચ્ચ અધિકારી આખરે કોણ છે?
સ્થાનિકોની માંગ છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરથી આ સમગ્ર પ્રકરણની સીધી અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે. ખાસ કરીને તપાસના દાયરામાં આવતા સંબંધિત અધિકારીના વોટ્સએપ કોલ, સંપર્ક રેકોર્ડ અને કોન્ટ્રાક્ટની વિગતોની કાયદેસરની ચકાસણી થાય, તો સમગ્ર ઘટનાક્રમનું સત્ય બહાર આવી શકે તેમ છે. સરકાર આ મામલે પારદર્શક તપાસ કરાવે તેવી પ્રબળ માંગ ઊઠી છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે.
