કચ્છમાં કલેક્ટરની મોટી કાર્યવાહી, 25 ટન રેતી સાથે ₹25 લાખનો ડમ્પર જપ્ત
ભુજ/માંડવી: કચ્છ જિલ્લામાં લાંબા સમયથી બેફામ બનેલા ખનિજ માફિયાઓ સામે આખરે જિલ્લા વહીવટી તંત્રના વડાએ પોતે મેદાનમાં ઉતરવું પડ્યું છે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાએ માંડવી તાલુકાના ભેરૈયા પાટિયા પાસે જાતે ચેકિંગ હાથ ધરીને ગેરકાયદે રેતી વહન કરતા એક ડમ્પરને રંગેહાથ ઝડપી પાડ્યું છે. કલેક્ટરની આ આકસ્મિક કાર્યવાહીથી ખનિજ ચોરી કરતા તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
25 ટન બિનઅધિકૃત રેતી સાથે ડમ્પર સીઝ
મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાના ભેરૈયા પાટિયા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ડમ્પર નંબર GJ 27 TG 7402 ને કલેક્ટરે જાતે અટકાવીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ડમ્પરમાં કોઈ પણ પ્રકારના અધિકૃત આધાર-પુરાવા કે રોયલ્ટી પાસ વિના અંદાજે 25 ટન સાદી રેતી ભરેલી હોવાનું સામે આવ્યું હતું. કલેક્ટરે તાત્કાલિક અસરથી ડમ્પર સહિત અંદાજે રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ આ ડમ્પરને ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત મૂકવામાં આવ્યું છે. આ મામલે આગળની કાયદેસરની અને દંડાત્મક કાર્યવાહી કરવા માટે માંડવી મામલતદાર તેમજ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીને કડક સૂચના આપવામાં આવી છે.

સૌથી મોટો સવાલ: ખનિજ ખાતું ફક્ત સેટિંગમાં જ વ્યસ્ત છે?
કલેક્ટરની આ સીધી કાર્યવાહી બાદ સ્થાનિક સ્તરે અનેક ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખનિજ ચોરી અટકાવવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વિશેષ સ્ટાફ અને ભૂસ્તર વિજ્ઞાન તેમજ ખાણ-ખનિજ વિભાગની અલાયદી ટીમ કાર્યરત કરવામાં આવી છે. તેમ છતાં, જ્યારે જિલ્લાના સર્વોચ્ચ અધિકારી એટલે કે કલેક્ટરે પોતે ગ્રાઉન્ડ પર ઉતરીને વાહનો રોકવા પડતા હોય, ત્યારે સ્પષ્ટ સવાલ ઊભો થાય છે કે:
- સ્થાનિક ખનિજ ખાતું અને તેના જવાબદાર અધિકારીઓ ક્યાં ઊંઘી રહ્યા છે?
- શું ખનિજ વિભાગના અધિકારીઓ માત્ર ઓફિસોમાં બેસીને ‘સેટિંગ’ અને વહીવટ કરવામાં જ મસ્ત છે?
- રોજેરોજ હાઇવે પરથી પસાર થતા ગેરકાયદે ડમ્પરો આ વિભાગની નજરમાં કેમ નથી આવતા?
કલેક્ટર અનિલ રાણાવાસિયાની આ તવાઈ બાદ હવે ખાણ-ખનિજ વિભાગ ઊંઘમાંથી જાગીને કડક પગલાં ભરશે કે પછી મામલો કાગળ પર દબાવી દેવાશે, તેના પર સૌની નજર ટકેલી છે.
