કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની સ્થિતિ ટાળવા ગુજરાત સરકાર સક્રિય, હાઈકોર્ટના આદેશો માટે બની નવી માર્ગદર્શિકા
ગુજરાત સરકાર દ્વારા ન્યાયિક પ્રક્રિયામાં થતા બિનજરૂરી વિલંબને દૂર કરવા અને વહીવટી તંત્રને વધુ જવાબદાર બનાવવા માટે એક મહત્વપૂર્ણ ડગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટના ચુકાદાઓના સમયબદ્ધ અને અસરકારક પાલન માટે તમામ વહીવટી વિભાગો માટે એક નવી અને સ્પષ્ટ Standard Operating Procedure (SOP) નક્કી કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ અદાલતના આદેશો સમયસર અમલમાં મૂકવાનો અને “કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ” (Contempt of Court) એટલે કે અદાલતી અવમાનના જેવી પરિસ્થિતિઓને અટકાવવાનો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તેમજ નાયબ મુખ્યમંત્રી (કાયદા મંત્રી) હર્ષ સંઘવી અને કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાના નેતૃત્વ હેઠળ આ પારદર્શક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. કાયદા વિભાગના તાજેતરના પરિપત્ર મુજબ, હવે ચુકાદાઓ બાદ વિલંબ કરનાર સામે જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવશે.
ચુકાદો સ્વીકારવો કે અપીલ કરવી? સમયમર્યાદામાં લેવા પડશે નિર્ણયો
નવી એસઓપી અનુસાર, હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ સંબંધિત વહીવટી વિભાગે તાત્કાલિક ધોરણે સ્પષ્ટ નિર્ણય કરવાનો રહેશે કે ચુકાદો સ્વીકારવો છે કે તેની સામે ઉપરી અદાલતમાં અપીલ દાખલ કરવી છે.
જો ચુકાદો સ્વીકાર્ય હોય: તો નાણાં વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા અને નિયમો અનુસાર ત્વરિત કાર્યવાહી કરીને આદેશનો અમલ કરવાનો રહેશે.
જો અપીલ કરવી હોય: તો વિભાગીય અભિપ્રાય મેળવીને, કાયદા વિભાગની સલાહ સાથે નિયત સમયમર્યાદામાં લિટિગેશનની આગળની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. આ સાથે કાયદા વિભાગ દ્વારા અગાઉ જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન કરવાનું પણ અનિવાર્ય રહેશે.
ઈ-સરકાર પ્રણાલી દ્વારા અપીલની પ્રક્રિયા અને દસ્તાવેજી સ્પષ્ટતા
અપીલ સંબંધિત દરખાસ્ત તૈયાર કરતી વખતે વહીવટી વિલંબ ઘટે તે માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
અપીલની ફાઇલ તૈયાર કરતી વખતે ઈ-ફાઈલમાં નોંધાયેલી નોંધ સાથે તમામ સંદર્ભિત દસ્તાવેજો ઈ-સરકાર પ્રણાલી (e-Sarkar Portal) પર ફરજિયાત અપલોડ કરવાના રહેશે.
દસ્તાવેજો અને સંદર્ભોને સ્પષ્ટ હાઈપરલિંક સાથે જોડવા પડશે, જેથી ફાઈલની તપાસમાં કોઈ મુશ્કેલી ન પડે.
સક્ષમ અધિકારીની સહીવાળી ચેકલિસ્ટમાં જો કોઈ વિલંબ થયો હોય તો તેના વાજબી કારણો સહિતની તમામ વિગતો અચૂક દર્શાવવાની રહેશે. આનાથી પત્રવ્યવહારમાં થતો બિનજરૂરી સમય બગડશે નહીં અને પારદર્શિતા જળવાઈ રહેશે.
સમયમર્યાદા ચૂકનારા અધિકારીઓની જવાબદારી નક્કી થશે
નવી એસઓપીમાં સૌથી મોટું પાસું એ છે કે જો કોઈ સ્તરે બેદરકારી દાખવવામાં આવશે, તો જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. નિયત સમયમર્યાદાના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલીને વિલંબ કરવાની પદ્ધતિ હવે ચલાવી લેવામાં આવશે નહીં.
જો કોઈ કિસ્સામાં નિર્ધારિત સમયમર્યાદાનું ઉલ્લંઘન થશે અને તેના માટે કોઈ અધિકારી કે કર્મચારી જવાબદાર જણાશે, તો લાગુ પડતા સેવા નિયમો અનુસાર તેમની સામે શિસ્તભંગની અથવા જરૂરી કાર્યવાહી કરવાની જવાબદારી સંબંધિત વિભાગના વડા (Head of Department) ની રહેશે.

સમય ન મળે તો કોર્ટમાંથી મેળવી શકાશે સમયમર્યાદામાં વધારો
વ્યવહારુ અથવા પ્રશાસનિક કારણોસર (જેમ કે રેકોર્ડ ઉપલબ્ધ ન હોવો, જરૂરી માહિતીનો અભાવ હોવો વગેરે) જો હાઈકોર્ટના આદેશનો નિયત સમયગાળામાં અમલ કરવો શક્ય ન બને, તો વિભાગ માટે વિશેષ જોગવાઈ પણ રાખવામાં આવી છે.
આવી પરિસ્થિતિમાં સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં Miscellaneous Civil Application for Time Extension દાખલ કરીને વધારાનો સમય માંગવાની કાર્યવાહી કરવાની રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે વધારાના સમય માટેની આ અરજી હાઈકોર્ટ દ્વારા મૂળ ચુકાદામાં નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ દાખલ કરવાની રહેશે, જેથી કાયદાકીય જટિલતાઓથી બચી શકાય.
આ નવી એસઓપીથી હવે ગુજરાતમાં સરકારી વિભાગોમાં ન્યાયિક આદેશોના અમલીકરણમાં ઝડપ આવશે અને ન્યાય પ્રણાલી પ્રત્યેની વહીવટી પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે.
