પ્રાકૃતિક કૃષિથી કમામાલ: 70 વર્ષના કાળુભાઈએ હળદરનું મૂલ્યવર્ધન કરી બનાવી પોતાની અનોખી બ્રાન્ડ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનો ભેદ સમજાવતા કાળુભાઈ: હળદરના મૂલ્યવર્ધને બદલૂ દીધું જીવન

ખેતીને સામાન્ય રીતે માત્ર પરંપરાગત વ્યવસાય ગણવામાં આવે છે, પરંતુ જો તેમાં કોઠાસૂઝ, સાહસિકતા અને આધુનિક અભિગમનો તડકો લાગે, તો તે સોનાની ખાણ સાબિત થઈ શકે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના એવા વડોદ ગામના ૭૦ વર્ષના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ પટેલે આ વાતને ખરી પાડી છે. તેમણે સાબિત કરી બતાવ્યું છે કે જો ખેડૂત માત્ર કાચો માલ વેચવાને બદલે પ્રોસેસર અને વિક્રેતા બને, તો ખેતી ક્યારેય ખોટનો ધંધો નથી બનતી.

કાળુભાઈ પાસે કુલ ૧૦ એકર જમીન છે, જેમાંથી ૪ એકરમાં તેઓ છેલ્લા ૧૩-૧૪ વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમની આ સફરની શરૂઆત એક કૃષિ મેળામાંથી થઈ હતી, જ્યાં તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલી હળદર જોઈને પ્રેરણા લીધી હતી. આજે તેઓ પોતાની ૪ એકર જમીનમાં હળદરનું મબલખ ઉપજ મેળવી રહ્યા છે.

- Advertisement -

WhatsApp Image 2026 10 07 at 10.47.30 AM.jpeg

સ્ટીમ બોઈલરથી લઈને ‘શક્તિ ઓર્ગેનિક’ બ્રાન્ડ સુધીની સફર

કાળુભાઈનું માનવું છે કે બજારમાં સીધી હળદર વેચવા કરતાં જો તેનું મૂલ્યવર્ધન (Value Addition) કરવામાં આવે તો અનેકગણો નફો મેળવી શકાય છે. આ હેતુસર તેમણે આશરે પાંચ લાખના ખર્ચે પોતાના ઘરે જ સ્ટીમ બોઈલર, પોલિશિંગ મશીન અને પલ્વરાઈઝર ધરાવતું એક નાનું પ્રોસેસિંગ યુનિટ સ્થાપ્યું છે. આ યુનિટ સ્થાપવા માટે તેમને બાગાયત ખાતા તરફથી અઢી લાખ રૂપિયાની સહાય પણ મળી છે.

- Advertisement -

આ પ્રોસેસિંગ યુનિટની ખાસિયત એ છે કે અહીં હળદરને પાણીમાં બાફવાને બદલે વરાળથી બાફવામાં આવે છે, જેના કારણે હળદરના તમામ ઔષધીય અને ગુણકારી તત્ત્વો સુરક્ષિત રહે છે. બાફેલી હળદરને સૂકવીને પોલિશિંગ કરી, પાવડર બનાવવામાં આવે છે. આ ઉપરાંત, તેઓ લીલી હળદરનું અથાણું અને મુખવાસ પણ જાતે જ તૈયાર કરે છે. પરિવારના સભ્યોની મદદથી તેઓ આ તમામ ઉત્પાદનોને “શક્તિ ઓર્ગેનિક” બ્રાન્ડ હેઠળ પેક કરીને વેચે છે.

મૂલ્યવર્ધનના ચમત્કારથી ૪ એકરમાંથી વાર્ષિક રૂ. ૧૧ લાખની આવક

સામાન્ય રીતે બજારમાં આખી હળદરના ભાવ આશરે રૂ. ૧૫૦ પ્રતિ કિલો આસપાસ હોય છે, પરંતુ કાળુભાઈ તેનું પ્રોસેસિંગ કરીને પાવડર રૂ. ૩૫૦ પ્રતિ કિલોના ભાવે અને લીલી હળદરનું અથાણું રૂ. ૪૪૦ પ્રતિ કિલોના ભાવે વેચે છે. GOPCA નું ઓર્ગેનિક સર્ટિફિકેટ ધરાવતા આ ઉત્તમ ઉત્પાદનોની ગુણવત્તા એવી છે કે કોઈ જાહેરાત વગર માત્ર “માઉથ-ટુ-માઉથ” પ્રચારથી જ તેમનો બધો માલ વેચાઈ જાય છે. માત્ર ૪ એકર હળદરના વાવેતરમાંથી તેઓ વાર્ષિક રૂ. ૧૦ થી ૧૧ લાખની શુદ્ધ આવક મેળવે છે.

આ ઉપરાંત, કાળુભાઈ પાક-વૈવિધ્ય પણ અપનાવે છે. હળદરના ૮ મહિનાના પાક બાદ બાકીના સમયમાં તેઓ મગ, તલ કે બાજરી જેવા ટૂંકા ગાળાના પાક લે છે. બાકીની ૬ એકર જમીનમાં તેઓ કપાસ અને તુવેરનું આંતરપાક તરીકે વાવેતર કરે છે. તુવેરના મૂળ જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન વધારે છે અને આંકડાના બોળાથી પોટાશની પૂર્તતિ કરાતી હોવાથી બહારથી ખાતર ખરીદવાનો ખર્ચ બચી જાય છે. તેમની આ મહેનતનું પરિણામ છે કે તેમની જમીનનો ઓર્ગેનિક કાર્બન આજે ૦.૯૪% જેટલો ઉત્તમ છે.

- Advertisement -

સરકારનું પ્રોત્સાહન અને ખેડૂતો માટે પ્રેરણારૂપ સંદેશ

કાળુભાઈની આ સિદ્ધિ બદલ તેમને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ ઉપરાંત જૂનાગઢ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશેષ સન્માન મળ્યા છે. તાજેતરમાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમને રાજ્ય કક્ષાના “બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ”થી નવાજવામાં આવ્યા છે.

અન્ય ખેડૂતોને પ્રેરણા આપતા કાળુભાઈ સુંદર વાત કહે છે, “જમીનમાં દાણા વાવો અને પાક ઉગે એ પ્રકૃતિ છે, વધુ ઉત્પાદનની લાલચમાં જમીનમાં ઝેર નાખવું એ વિકૃતિ છે અને ધરતી માતાનું સત્ત્વ જાળવીને સાત્વિક આહાર સમાજને આપવો એ આપણી સંસ્કૃતિ છે.” ૭૦ વર્ષની વયે પણ યુવાનોને શરમાવે તેવો ઉત્સાહ ધરાવતા કાળુભાઈએ સાબિત કરી દીધું છે કે સાચી દિશામાં કરેલી મહેનત ખેતીને હંમેશાં નફાકારક બનાવી શકે છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.