ગુજરાતમાં સ્ટેમ્પ ડયૂટીની ચોરી અટકાવવા માટે નોંધણી વખતે વેલ્યૂએશન રિપોર્ટને દસ્તાવેજ સાથે જોડવા પડશે,,,,?
ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટી ચોરી રોકવા કડક પગલાં લીધા
- ગુજરાતમાં દસ્તાવેજોમાં તેનો ફરજિયાત અમલ કરવાનો રહેશે
ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યૂટી ચોરી અટકાવી શકાય તે માટે દસ્તાવેજ પર વાપરવાપાત્ર સ્ટેમ્પ ડ્યૂટીના મૂલ્યાંકન પત્રક કે વેલ્યૂએશન રિપોર્ટને હવે દસ્તાવેજ સાથે ફરજિયાતપણ જોડવાનો ગુજરાતના મહેસૂલ વિભાગે નિર્ણય લીધો છે. જેનો અમલ ૧૮ સપ્ટેમ્બર-૨૦૨૫થી કરાયો છે. ગુજરાતમાં સબ રજિસ્ટ્રારે વિલ સિવાયના તમામ દસ્તાવેજોમાં તેનો અમલ કરવાનો રહેશે.
ગુજરાતમાં મહેસૂલ વિભાગના નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવન દ્વારા તમામ સબ રજિસ્ટ્રાર અને સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટરો માટે આ સૂચના જારી કરાઈ છે. તે મુજબ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે રજૂ થાય ત્યારે તેની ઉપર યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી વપરાઈ છે કે નહીં તેની ચકાસણી દસ્તાવેજમાં દર્શાવેલી મિલકતનું મૂલ્યાંકન કરીને પણ કરાતી હોય છે. દસ્તાવેજ ઉપર યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી વાપરેલી ના હોય ત્યારે સબ રજિસ્ટ્રાર દ્વારા તેને નાયબ કલેક્ટર અને સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રની કચેરીને મોકલાય તે પછી તેનું આકારણી પત્રક કે વેલ્યૂએશન રિપોર્ટ તૈયાર કરી તેના આધારે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતનો હુકમ કરાય છે.
દસ્તાવેજ ઉપર કેટલી સ્ટેમ્પ ડ્યૂટી વાપરેલી છે તેની માહિતી દસ્તાવેજના પક્ષકારો અને ઓડિટ ટીમને પણ મળે અને સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવી શકાય એટલું જ નહીં વહીવટી અનિયમતતા પણ નિવારી શકાય તે જરૂરી છે. તેથી હવે દસ્તાવેજની નોંધણી કરતી વખતે સબ રજિસ્ટ્રારે કોમ્પ્યુટરાઇઝ્ડ વેલ્યૂએશન સિસ્ટમનો ઉપયોગ કરીને બનાવેલા વેલ્યૂએશન રિપોર્ટને ફરજિયાત દસ્તાવેજ સાથે જોડવાનો રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
વેલ્યૂએશન રિપોર્ટ નહીં હોય તો સંબંધિત કર્મચારી જવાબદાર
દસ્તાવેજ નોંધણી કરવામાં આવે ત્યારે વિલ સિવાયના તમામ દસ્તાવેજોમાં આ પદ્ધતિ ફરજિયાત અપનાવવા પણ સૂચના અપાઇ છે.
સબ રજિસ્ટ્રાર દ્વારા દસ્તાવેજને સ્ટેમ્પ ડયૂટીની વસૂલાત માટે નાયબ કલેક્ટર-મૂલ્યાંકન તંત્રની કચેરીને મોકલાય તેવા કિસ્સામાં નિર્ણય લીધો તે દસ્તાવેજ સાથે સંબંધિત ઓર્ડર અને વેલ્યૂએશન રિપોર્ટને ઇ-સરકાર પોર્ટલ મારફતે જ સબ રજિસ્ટ્રાર કચેરીને મોકલવા પડશે.
સબ રજિસ્ટ્રાર દ્વારા નાયબ કલેક્ટર-સ્ટેમ્પ્સ દ્વારા કરાયેલા ઓર્ડર અને વેલ્યૂએશન રિપોર્ટને જોડવાના રહેશે.
નાયબ કલેક્ટર-સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન તંત્રની કચેરી દ્વારા અપાયેલા ઓર્ડર અને વેલ્યૂએશન રિપોર્ટને દસ્તાવેજનો ભાગ બનાવ્યા સિવાય દરસ્તાવેજની નોંધણી કરાશે તો સંબંધિત કર્મચારીની અંગત જવાબદારી ગણાશે.
નાયબ કલેક્ટર-સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન તંત્રની કચેરી દ્વારા અપાયેલા અભિપ્રાયને પણ ઇ-સરકાર દ્વારા જ સબ રજિસ્ટ્રારની કચેરીએ મોકલવાનો રહેશે.