પવન અને સૌર શક્તિમાં અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાતે પર્યાવરણ સાથે વિકાસનું મોડેલ ઉભું કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૭૦ સુધીના ‘નેટ ઝીરો’ ઉત્સર્જનના લક્ષ્યને સાકાર કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ડિસેમ્બર-૨૦૨૫ સુધીના આંકડા મુજબ, ભારતની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ગુજરાત ૧૬.૫૦ ટકા હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે. રાજ્યની કુલ ક્ષમતા ૪૨.૫૮૩ ગીગાવોટ પર પહોંચી છે, જે પર્યાવરણના જતન સાથે આર્થિક વિકાસની નવી દિશા દર્શાવે છે.
પવન અને સૌર ઉર્જામાં કીર્તિમાન
ગુજરાતે કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને પવન અને સૌર ઉર્જામાં અપ્રતિમ સિદ્ધિઓ મેળવી છે:
-
પવન ઉર્જા: ૧૪,૮૨૦.૯૪ મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે. જેમાં કચ્છ જિલ્લો ૭,૪૭૬.૭૩ મેગાવોટ સાથે પાવર હાઉસ સાબિત થયો છે.
-
સૌર ઉર્જા: ૨૫,૫૨૯.૪૦ મેગાવોટ ક્ષમતા સાથે રાજ્ય દેશમાં બીજા ક્રમે છે. ચારણકા અને ધોલેરા બાદ હવે કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક (૩૭.૩૫ ગીગાવોટ) આકાર લઈ રહ્યો છે.
-
રૂફટોપ સોલર: ૧૧ લાખથી વધુ ઇન્સ્ટોલેશન દ્વારા ૬,૪૧૨.૮૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી ગુજરાત દેશમાં ટોચ પર છે.
નીતિગત નિર્ણયો અને રોજગારીની તકો
ગુજરાતની મજબૂત અને પ્રગતિશીલ નીતિઓએ આ સફળતાનો પાયો નાખ્યો છે. ૧૯૯૩ની પ્રથમ પવન ઉર્જા નીતિથી લઈને ‘રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩’ સુધીના નિર્ણયોએ રોકાણકારો માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે.
૧. અક્ષય ઉર્જા સેતુ: ઓનલાઇન પોર્ટલ દ્વારા પારદર્શક અને ઝડપી મંજૂરીની પ્રક્રિયા.
૨. રોજગાર સર્જન: આ પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે ૨.૩૭ લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થયું છે.
૩. પીએમ સૂર્ય ઘર યોજના: કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનથી સામાન્ય નાગરિકોને વીજ બિલમાં મોટી રાહત મળી રહી છે.
ભવિષ્યનું આયોજન: ૨૦૩૦નું લક્ષ્ય
ગુજરાત અટકવાનું નામ નથી લઈ રહ્યું. હાલમાં ૫,૨૦૩ જેટલા નવા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે જે પૂર્ણ થતા ૬૮.૩૭ ગીગાવોટ વધારાની ઉર્જા પ્રાપ્ત થશે. ‘RE Invest 2024’ કાર્યક્રમમાં ગુજરાતે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૫ ગીગાવોટ ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્ય ભારતની ૫૦૦ ગીગાવોટની નેશનલ કેપેસિટીમાં ૨૦ ટકા જેટલું મહત્વપૂર્ણ યોગદાન આપશે.

