80 ટકા શાળાઓમાં સ્પોર્ટ્સ ટીચર વિનાની સ્થિતિ પર સંચાલક મંડળની ચિંતા અને તાત્કાલિક ભરતીની માંગ
અમદાવાદમાં 2030ના કોમનવેલ્થ ગેમ્સ યોજાશે તે સમાચારથી સમગ્ર રાજ્યમાં આનંદનો માહોલ છે. પરંતુ આ ખુશી વચ્ચે એક મહત્વનો સવાલ ઊભો થયો છે કે શું આ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ ભાગ લઈ શકશે? કારણ કે રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી 80 ટકા શાળાઓમાં હાલમાં એક પણ સ્પોર્ટ્સ ટીચર નથી. શાળા સંચાલક મંડળે જણાવ્યું છે કે 2009 પછીથી વ્યાયામના શિક્ષકોની કોઈ ભરતી થઈ નથી, જેના કારણે ખેલાડીઓ તૈયાર કરવાની પ્રક્રિયા ગંભીર રીતે ખોરવાઈ છે.
શાળા સંચાલક મંડળે વ્યક્ત કરી ચિંતા
શાળા સંચાલક મંડળના ભાસ્કર પટેલે જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની ઘટના ગૌરવપૂર્ણ છે, પરંતુ સ્પોર્ટ્સ શિક્ષકોનો અભાવ સૌથી મોટો પડકાર છે. અગાઉ દરેક સ્કૂલમાં વ્યાયામનું શિક્ષણ ફરજિયાત હોય અને દર અઠવાડિયે કવાયત સહિત છ ક્લાસ રમતગમત માટે ફાળવાતા. પરંતુ છેલ્લા 15 વર્ષથી ન તો CPED, ન DPED, અને ન તો BPEd અથવા MPEd ધરાવતા લાયકાતપ્રાપ્ત શિક્ષકોની ભરતી થઈ છે. આ સ્થિતિમાં નિર્ણયકર્તા અને કોચની તૈયારી પણ અશક્ય બની રહી છે.
ખેલાડીઓ વગર કોમનવેલ્થની ઉજવણી અધૂરી
ભાસ્કર પટેલ કહે છે કે ગેમ્સ અહીં યોજાશે પરંતુ ગુજરાતના બાળકો જ તેમાં ભાગ ન લઈ શકે તો આ ગૌરવ અધૂરું રહી જશે. હાલની સ્થિતિ એવી છે કે 7600 ગ્રાન્ટેડ શાળાઓમાંથી માત્ર 20 ટકા શાળાઓમાં જ સ્પોર્ટ્સ ટીચર કાર્યરત છે. મોટાભાગના શિક્ષકો રિટાયર થઈ ગયા છે અથવા નોકરી છોડીને દેશ બહાર ચાલી ગયા છે. જો શિક્ષણ વ્યવસ્થામાં સ્પોર્ટ્સ ટીચરની સમસ્યા યથાવત રહેશે તો રાજ્યમાંથી ખેલાડીઓ ઉભા કરવાનું સ્વપ્ન પૂરુ નથી થઈ શકતું.
મેદાન હોય ત્યારે શિક્ષક નથી અને શિક્ષક હોય ત્યારે મેદાન નથી
રાજ્યની ઘણી શાળાઓમાં રમતની સુવિધાઓ પણ અપૂરતી છે. ઘણી જગ્યાએ મેદાન છે પણ વ્યાયામના શિક્ષક નથી અને જ્યાં શિક્ષક છે ત્યાં યોગ્ય મેદાન નથી. રમતગમતના સંકલિત વિકાસ માટે શાળા સ્તરે આ ગેરસમતો દૂર કરવી જરૂરી છે. નહીં તો કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતો માટે ખેલાડીઓ જ તૈયાર થઈ શકશે નહીં.
તાત્કાલિક ભરતીની માગ થઈ મજબૂત
આ પરિસ્થિતિને ધ્યાને લઈને સંચાલક મંડળે મુખ્યમંત્રી સમક્ષ વિનંતી કરી છે કે ઓછામાં ઓછું બે શાળાઓ વચ્ચે પાર્ટ-ટાઇમ સ્પોર્ટ્સ ટીચર નિયુક્ત કરવામાં આવે. ખેલાડીઓની ઉભી કરવાની મૂળભૂત પ્રક્રિયા શિક્ષકોથી જ શરૂ થાય છે, તેથી ભરતી હવે ટાળવાની સ્થિતિમાં નથી. ગુજરાતના ખેલકૂદ ક્ષેત્રને મજબૂત કરવા તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે, નહીં તો ગેમ્સનું યજમાન બન્યા બાદ પણ પોતાની પ્રતિભા દેખાડનાર સ્થાનિક ખેલાડીઓ ઓછા પડી શકે છે.

