ગાંધીનગર: કેન્દ્રની મોદી સરકારની ખાનગીકરણની મનસ્વી નીતિઓનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે. અમદાવાદ એરપોર્ટનું સંચાલન ખાનગીકરણ કરીને અદાણી ગ્રૂપને સોંપવામાં આવ્યુ છે. અદાણી ગ્રૂપ એક પછી એક પોતાના નવા નિયમોને લીધે વિવાદમાં રહી છે અને લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે કાર સર્વિસ આપતી કેબ કંપનીઓ પાસેથી નાણાં પડાવવા માટે અદાણી ગ્રૂપે નવો નિયમ જાહેર કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પર પહેલાં પાર્કિંગના ચાર્જમાં વિક્રમી વધારો કર્યો અને હવે જે ફીમાં હતું તેના ચાર્જ લાગુ કર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર કેબ સર્વિસ માટેની જગ્યા ફ્રી આપવામાં આવી હતી પરંતુ હવે તે ચાર્જેબલ છે. કેન્દ્ર સરકારના મનસ્વી નિર્ણયનો ભોગ અમદાવાદ એરપોર્ટ પર જતા લોકો બની રહ્યાં છે. અદાણીના મેનેજમેન્ટ સામે એરપોર્ટને સંલગ્ન સેવાઓના લોકોને દામ ચૂકવવા પડી રહ્યાં છે. અદાણી કંપની એક પછી એક વિવાદ શરૂ કરતી જાય છે. હવે અદાણીએ કેબ સર્વિસ માટે ફ્રી અપાયેલી જગ્યાના એકાએક ચાર્જ લેવાના શરૂ કરી દીધા છે. 13મી એપ્રિલની મધ્યરાત્રીથી પ્રથમ કલાક વિનામૂલ્યે રાખીને ત્યારપછીના પ્રત્યેક કલાકના 50 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવાનું નક્કી કર્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર અગાઉ કેબ સંચાલકો માટે ગુજસેલની કચેરી પાસે જગ્યા ફ્રી આપવામાં આવી હતી. હવે ઇન્ટરનેશનલ ટર્મિલન પર ચાર્જ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કેબ સર્વિસ માટેના ચાર્જ 13મી એપ્રિલની મધરાતથી અમલમાં આવતા હોય તો અદાણીએ 12મી એપ્રિલના રોજના દરો કેમ વસૂલ કર્યા છે તે મોટો સવાલ છે. કેબ સંચાલકોએ કહ્યું હતું કે અમારૂં તમામ રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે. અમે સરકાર સમક્ષ અપીલ કરીએ છીએ કે અમને જે જગ્યા ફ્રીમાં આપવામાં આવી છે તેના અદાણી મેનેજમેન્ટે ચાર્જ શરૂ કર્યા છે.