કોરોના અને લોકડાઉન બાદ કામધંધા વગર બેકારી ફાટી નીકળતા કંકાસ વધ્યા છે અને અનેક સુસાઇડ ની ઘટનાઓ સામે આવી રહી છે જે ખૂબજ કમનસીબ છે આ બધા વચ્ચે અમદાવાદ ના શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ પરિવાર માં બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના ફ્લેટ માંથી મૃતદેહ મળી આવ્યા છે.
ઘટના અંગે ની જાણ થતાં વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસ માં મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના નામ મયુર, કિર્ત, ધ્રુવ અને સાનવી હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા જેઓ એ બાળકોને ફરવા લઇ જવાનું કહી ઘરેથી ભાઈઓ નીકળ્યા હતા અને વિંઝોલમાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ બંનેએ આપઘાત કરી લીધો હતો. આપઘાતના કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારિક હોવાની પોલીસ ને શંકા છે અને તે દિશામાં તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન માં ચારે તરફ મંદી ફેલાઈ છે કોઈ રાહત મળી નથી દરેક વ્યક્તિ મૂંઝાઈ રહ્યો છે ત્યારે આવા બનાવો રોકવા અને હતાશ પરિવારો ને મોટીવેટ કરવા અને ઘરમાં કંકાસ ટાળવા માટે પગલાં ભરાય તે જરૂરી બન્યું છે આ ઘટના ને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
