આજે ભારત બંધનું એલાન વચ્ચે આજે ખેડૂત આગેવાન યુદ્ધવીર સિંહ અમદાવાદ આવ્યા હતા અને સરકાર ના 3 કૃષિ કાયદાઓથી ખેડૂતોને થતાં નુકસાન અંગે ચર્ચા કરવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું પરંતુ પોલીસે ચાલુ પત્રકાર પરિષદમાંથી જ યુદ્ધવીર સિંહ ને ઉંચકી જતા ભારે ચકચાર મચી ગઇ હતી.
લોકશાહી માં જનતા ને વિરોધ કરવાની સ્વતંત્રતા હોવાછતાં જનતા નો અવાજ દબાવવા ના પ્રયાસો થઈ રહ્યા નું ઉપસ્થિતો માં ચર્ચાતું હતું.
અમદાવાદ ના મોટેરાના તપોવન સર્કલ ખાતે ખેડૂતો ને થતા અન્યાય સંદર્ભે સંયુક્ત કિસાન મોર્ચાના સચિવ યુદ્ધવીર આવ્યા હતા. તેમની સાથે ધરતી પુત્ર ટ્રસ્ટના ગજેન્દ્ર સિંહ અને જગતાત ફાઉન્ડેશનના જે.કે.પટેલ પણ હાજર હતા જેઓ દ્વારા દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી હતી.કૃષિ બિલથી ખેડૂતો ને થનારી ભવિષ્યમાં મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી, તે દરમિયાન જ ચાંદખેડા પોલીસ દ્વારા ત્રણેય આગેવાનો સહિત કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે જગતાત ફાઉન્ડેશન ના જે.કે.પટેલે જણાવ્યું હતું કે અમે માત્ર ખેડૂત આંદોલન અંગે ચર્ચા કરી રહ્યા હતા. જેમાં આગામી સમયમાં રાકેશ ટિકૈત પણ ગુજરાત આવે અને ગુજરાતમાં પણ આંદોલનને વેગ આપે તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ આ ચર્ચા દરમિયાન જ પોલીસ આવી હતી અને પોલીસે તેમની અટકાયત કરી અને તેમને શાહીબાગના હેડ ક્વાર્ટર ખાતે લઇ ગઈ હતી.
આ બનાવ ના ઘેરા પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા હતા.
