રાજ્યમાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ પડતા અનેક જગ્યાએ નુકસાન ના અહેવાલ છે ત્યારે અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં સાવરકુંડલાના વાંશીયાળી ગામની સીમમાં વીજળી ત્રાટકતા એક ગરીબ નું ઘર સળગી ગયુ હતુ.
વાંશીયાળી ગામની સીમમાં રહેતા ખેતમજૂરની ઓરડી પર વીજળી પડતા આગ ફાટી નીકળી હતી. આગમાં ખેતમજૂરના કપડા સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ હતી. સદભાગ્યે ખેતમજૂરનો પરિવાર ઓરડીમાં હાજર ન હોવાના કારણે જાનહાનિ થતા અટકી હતી.
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ધારી, સાવરકુંડલા, દામનગર, લાઠી અને અમરેલીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી,જિલ્લાના મીઠાપુર, દલખાણીયા, કુબડા કોટડા, પાણીયા, ચાંચઈ, ગીગાસણ, ગોવિંદપુર, ફાચરીયા, સરસીયા, જીરાખીસરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.