કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે પવનો ફૂંકાતા તારાજીના દ્રશ્યો જોવા મળી રહયા છે અનેક મકાનો ઉપરથી નળિયા તેમજ પતરા ઉડી ગયા છે.
જોકે,વાવાઝોડા બાદ થયેલા નુકસાનની ભરપાઈ કરવા અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલા હોસ્પિટલ, સરકારી ઓફિસો, ફ્લોર મિલ, વોટરવર્કસને પ્રાથમિકતા આપી તાત્કાલિક મદદ પુરી પાડવા જરૂરી તમામ મટિરિયલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ટેમ્પો, બોલેરો જેવા ૭૮૨ વાહનો તથા ૩૬ જેટલા ટ્રકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વાવાઝોડાની અસર હેઠળ ભારે વરસાદ શરૂ થતાં નાગધ્રા ગામની શેલ નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, ખાંભા અને ધારી પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. સરસીયા, જીરા, ડાભાળી, હિરાવા અને નાગધ્રામાં ભારે વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા શહેર સહિત ઘોબા અને મેવાસા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અમરેલીના પિપાવાવ પોર્ટ વિસ્તારમાં વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે મીઠાના અગરો પણ પાણીથી ભરાઈ ગયા છે.