સુરતના વધુ એક ગુજરાતીનીઅમેરિકામાં ગોળી મારી હત્યા થતા ગુજરાતી પરિવારોમાં ભય ફેલાયો છે.
મૂળ સુરતના સચિન લાજપોર પોપડા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી 69 વર્ષીય જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીનામાં મોટેલ ધરાવતા હતા.
25મી જૂને શનિવારે નાઇટમાં તેઓ મોટેલની ઓફિસમાં બેઠા હતા. તે વખતે મોટેલના રૂમમાં રહેતા એક શખ્સે ઓફિસમાં આવી જગદીશ પટેલ સાથે ઝગડો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરતા જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટના ભાગે વાગી હતી.
આ ઘટના બાદ મોટેલમાં હાજર સ્ટાફ તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા 30મી જૂને જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. મોટેલમાં હત્યારો 2 દિવસથી રહેતો હતો અને રૂમનું ભાડું ન આપતો હોવાથી ઝગડો થતા તેણે જગદીશ પટેલને માથામાં ગોળી મારી દીધી હતી. જગદીશભાઇનો પરિવાર વર્ષ 2007થી અમેરિકામાં રહે છે અને તેમના પુત્ર અને વહુ બન્ને અમેરિકાના શિકાગોમાં ડોકટર છે.
જગદીશ પટેલ સચિન પોપડાના વતની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ દોઢ વર્ષ પહેલા પણ આજ રીતે અમેરિકામાં ભરથાણાના દંપતીને મોટેલમાં રહેતા એક ઇસમે રૂમના ભાડા મામલે ઝગડો કરી ગોળી મારી હતી,જેમાં દિલીપનો બચાવ થયો જયારે પત્ની ઉષાબેનનું મોત થયું હતું.
આમ,અમેરિકામાં પણ લુખ્ખા તત્વો નો ત્રાસ વધ્યો છે, જેમાં ગુજરાતી પરિવારો ટાર્ગેટ થઈ રહયા છે.