ગાંધીનગર –વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી કલ્યાણ અને સુધારણાના અભિગમ હેઠળ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે જેને પગલે કેદીઓને નવા હુન્નરો અને કૌશલ્ય શીખવા મળે છે. આ ઉત્પાદકીય કામગીરીના વળતર રૂપે નિર્ધારિત મહેનતાણાની આવક થાય છે અને સજા પૂરી કરીને નીકળતા કેદીઓ સમાજમાં એક કુશળ કારીગર તરીકે પાછા ફરે છે.
લોકડાઉનમાં પણ સેન્ટ્રલ જેલમાં અનુકૂળતા પ્રમાણે અને સોશીયલ ડિસ્ટન્સના નિયમો પાળીને દરજી કામ વિભાગ, સાબુ અને રસાયણ વિભાગ જેવા વિભાગોમાં ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી જેના પરિણામે તેની સાથે જોડાયેલા કેદીઓએ પરિશ્રમ કર્યો અને કમાણી પણ કરી છે.
લોકડાઉનમાં દરજી કામ વિભાગના 10 કેદીઓએ 20,000 માસ્ક બનાવ્યા છે. જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ માસ્ક તમામ કેદીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત અન્ય કચેરીઓને પૂરાં પાડવામાં આવ્યાં. તે જ રીતે આ સમયગાળામાં અન્ય 10 કેદીઓએ કાર્બોલિક સાબુ, લિકવિડ હેન્ડ વોશ, લીમડાના સાબુ અને ફિનાઇલનું ઉત્પાદન કર્યું છે. તેમણે 59000 નંગ સાબુ, 6250 લિટર ફિનાઇલ, 2100 લિટર લીકવિડ હેન્ડ વોશનું ઉત્પાદન કરીને લોકડાઉનને ઉત્સવ બનાવ્યો છે.
આ સામગ્રી રાજ્યની અન્ય તમામ જેલોને જરૂરિયાત પ્રમાણે પૂરી પાડવામાં આવી છે. કોરોના સંકટ સામે બચાવના અસરકારક ઉપાયના રૂપમાં વારંવાર સાબુ થી હાથ ધોવા અને રહેવાની જગ્યાની ફિનાઇલ ઇત્યાદિ દ્વારા નિયમિત સફાઈની આગવી અગત્યતા છે. તે જોતાં આ પરિશ્રમી કેદીઓએ અન્ય જેલોના લોકોને સલામત અને ચેપ રહિત રાખવામાં યોગદાન આપ્યું છે અને આ મહેનતના બદલામાં એમને ઠરાવેલા દરે મહેનતાણાની આવક થઇ છે.
જેલમાં કોરોનાનો પ્રવેશ અટકાવવા વિવિધ પ્રકારની કાળજી લેવામાં આવી છે એની વિગતો આપતાં જણાવ્યું કે જેલના પ્રવેશ દ્વારે સેનેતાઈઝિંગ ટનલ બનાવવામાં આવી છે. નવા આવતા કેદીનો પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને તે નેગેટિવ આવે તો જ જેલમાં પ્રવેશ આપવામાં આવે છે. અને આવા કેદીને પ્રથમ કવોરેન્તાઈન વોર્ડમાં રાખવાની તકેદારી લેવાય છે.
જેલવાસીઓની રોગ પ્રતિકારક શકિત વધે તે માટે આયુર્વેદિક ઉકાળો આપવામાં આવે છે જે કેદીઓ જાતે જ બનાવે છે. એમને હોમિયોપેથીક ઔષધોનું સેવન કરાવવામાં આવ્યું છે. વિટામિન સી ની ગોળીઓ અને લીંબુનું સરબત આપવામાં આવે છે. જેલના પ્રવેશ દ્વારે, ઝડતી રૂમ, ટેલિફોન બુથ, કેન્ટિન, બેકરી, પ્રેસ, હોસ્પિટલ જેવા તમામ સ્થળોએ લિકવિડ હેન્ડ વોશ રાખવાની સાથે જેલના તમામ યાર્ડ, વહીવટી ઇમારત,જેલ કેમ્પસની નિયમિત સફાઈ કરી સોડિયમ હાઈપો કલોરાઇડનો છંટકાવ કરવાની તકેદારી લેવામાં આવે છે અને તમામ કેદીઓને સાબુ આપવામાં આવ્યાં છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.