કોરોના કાળ માં એક તરફ સ્કૂલો બંધ હોવા છતાં પણ ખાનગી સ્કૂલ સંચાલકો ફી વસૂલવા માટે એક થઈ ગયા છે તો બીજી તરફ વાલીઓ પણ કોઈપણ સંજોગોમાં શાળા સંચાલકો ના તાબે નહિ થવા મક્કમ બનતા હવે સરકારે હાઇકોર્ટ માં અરજ કરી નામદાર કોર્ટ જે હુકમ કરે તેને માન્ય રાખવા ની વાત કરી આ મામલા માંથી ખસી જતા હવે કોર્ટ ના આગળ ના આદેશ ની રાહ જોવાઇ રહી છે ત્યારે રાજ્ય માં અમદાવાદ ની કેટલીક સ્કૂલો એ સામે ચાલીને ફી માફ કરવાનો નિર્ણય લેતા અન્ય સ્કૂલો ના સંચાલકો પણ આ બાબત ને અનુસરે તેવો સુર ઉઠ્યો છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારો વસ્ત્રાલ, નિકોલ, નરોડાની 38 ખાનગી સ્કૂલોએ જૂન, જુલાઈ, ઓગસ્ટની ત્રિમાસિક ફીમાં 25 ટકા માફીની જાહેરાત કરી છે. આ નિર્ણયથી 60 હજાર વિદ્યાર્થીઓના વાલીઓને રાહત મળશે. અંદાજે વાલીઓની પાંચ કરોડની ફી માફી થશે. જે વાલીઓએ ફી ભરી દીધી હશે તેમને આગામી ત્રિમાસિક ફીમાં રાહત મળશે.
શિક્ષણ મંત્રીએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, સ્કૂલોના સંચાલકોની જાહેરાતને હું આવકારું છું. બધાએ આની પ્રેરણા લેવી જોઈએ.આ 38 સ્કૂલોમાં નર્સરીથી ધોરણ 12 સુધીમાં અભ્યાસ કરતા આશરે 60,000 જેટલા બાળકોને આનો સીધો જ ફાયદો થશે. આમ હવે ધીરેધીરે ખાનગી શાળા સંચાલકો કુણા પડી રહ્યા છે અને વ્યવહારૂ અભિગમ અપનાવતા વાલીઓ માં થોડી રાહત થઈ છે.
