છેલ્લા 6 મહિનાથી રાજકીય ક્ષેત્રે ભારે સસ્પેન્સ ઉભું કરનાર નરેશ પટેલે આખરે આજે કાગવડ ખાતે પ્રેસ કોંફરન્સ યોજીને પોતે રાજકારણમાં નહીં જોડાય તેવી જાહેરાત કરી છે.
નરેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે.
તેઓએ જણાવ્યું કે સમાજમાં થયેલા સર્વે અનુસાર મોટાભાગનાયુવાનો અને 80% મહિલાઓ એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ, પણ વડીલોનું માનવું એવું છે કે મારે રાજકારણમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય પડતો મુક્યો છે.
તેઓએ ઉમેર્યું કે તેઓને રાજકારણમાં પ્રવેશ કરવાનો વિચાર કોરોનાકાળ વખતે આવ્યો હતો કારણકે તે વખતે સરદાર સાહેબને ખૂબ વાંચ્યા બાદ અને મને વિચાર આવ્યો કે રાજકારણમાં પ્રવેશ મેળવવો જોઈએ. ત્યારબાદ આ વિચાર મેં સમાજ પાસે મૂક્યો હતો.
પરંતુ હવે રાજકારણમાં જોડાવવુ નથી મારી ઉપર કોઈ રાજકીય દબાણ નથી, વડીલોની સલાહ માનીને મેં આ નિર્ણય લીધો છે.
તેઓએ ખોડલધામના ટ્રસ્ટીઓ સહિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથે બંધબારણે બેઠક કરી હતી સાથેજ ખોડલધામ પોલિટિકલ એકેડમીની જાહેરાત કરવામાં આવી છે જ્યાં રાજકારણના પાઠ ભણાવવામાં આવશે.