ગાંધીનગરઃ આજે વિશ્વ ટીબી દિવસ છે. હાલ દેશ અને દુનિયામાં જીવલેણ કોરોના મહામારી ચાલુ રહી ત્યારે ગુજરાતમાં TBના દર્દીઓના ચોંકાવનારા આંકડા જીએસટીવીને હાથ લાગ્યા છે. વર્ષ 2021માં જ એટલે કે 1 જાન્યુઆરી થી 23 માર્ચ દરમ્યાન TBના કુલ 31 હજાર 580 જેટલા ટીબીના નવા દર્દીઓ નોંધાયા છે. કોરોનાના કહેર વચ્ચે ટીબીના દર્દીઓનો આ આંક અતિ ભયાનક છે.
વર્ષ 2019માં ટીબીના કુલ 1 લાખ 59 હજાર દર્દીઓ નોંધાયા હતા. જ્યારે કે વર્ષ 2020માં ટીબીના 1 લાખ 20 હજાર નવા દર્દીઓ નોંધાયા હતા. વર્ષ 2021ના આંકડા મુજબ હાલ દર મહિને ટીબીના 10 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાઇ રહ્યા છે.
રાજય સરકાર દ્વારા 2020 સુધીમાં ટીબી રોગને નાબુદ કરવાનું લક્ષ્યાંક મુકવામાં આવ્યું છે. આ હેતુથી પાંચ દિવસ માટે સમ્રગ ગુજરાતમાં ટીબીના કેસ શોધવા માટે ગત 22 માર્ચથી ખાસસર્વે શરુ કરવામાં આવ્યો છે. જે હેઠળ તમામ તાલુકામાં આશા બહેનો તથા આરોગ્ય કર્મચારીઓ ધ્વારા ટીબી રોગના લક્ષણો ગળફા સાથે ખાંસી હોવી, છાતીનો દુખાવો થવો, ગળફામાં લોહી આવવું, શરીરનું તાપમાન વધવું, વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે વિશે આશા બહેનો તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પુછપરછ કરવામાં આવશે.
જો કોઇ વ્યકિતને ટીબી રોગના લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાને મોકલવામાં આવશે. જો તેમને ટીબી માલૂમ પડે તો તેમની સારવાર વિના મૂલ્યે કરવામાં આવશે અને સરકાર દ્વારા નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત દર મહિને 500 રૂપિયા આપવામાં આવશે