ભારતમાં ધાર્મિક તહેવારોનું અનેરું મહત્વ છે જેમાં શીતળા સાતમના આગલા દિવસે રાંધણ છઠ ઉજવવામાં આવે છે.
આજે 17 ઓગસ્ટ, 2022ના રોજ રાંધણ છઠ છે.
ઉત્તર ભારતમાં રાંધણ છઠને હલ ષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ તેમના બાળકોના સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે અહીં વ્રત રાખનાર મહિલાઓ હળ વડે ખેડેલી વસ્તુનું સેવન કરતી નથી.
હળ છઠનો દિવસ ભગવાન બલરામજીનો તહેવાર છે અને તેમનું શસ્ત્ર હળ હોવાથી હળ દ્વારા ખેડાણ કરીને ઉગાડવામાં આવતી વસ્તુઓનું સેવન થતું નથી. ભગવાન બલરામને શેષનાગના અવતાર તરીકે પૂજવામાં આવે છે.
રાંધણ છઠ ને હળ છઠ ઉપરાંત હલષ્ટી, , હરચ્છથ વ્રત, ચંદન છઠ, તિંછી, તીન્ની છઠ, લાલી છઠ, કમર છઠ અથવા ખમર છઠ જેવા જુદાજુદા નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમજ આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે.
રાંધણ છઠના દિવસે બનાવવામાં આવતી રસોઈ બીજા દિવસે જમવામાં ઉપયોગ કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલાને ઠારવામાં આવતા હોવાથી છઠના દિવસે બનાવેલી રસોઈ ખાવાનો મહિમા આપણા દેશમાં પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે.
રાંધણ છઠ્ઠ ના દિવસે પરિવારની તમામ મહિલાઓ જુદીજુદી તળેલી રસોઈ તૈયાર કરે છે જે રાત ના 12 વાગ્યા સુધી બનાવે છે.
આ ખોરાક રોજીંદા કરતા અલગ હોય છે અને થોડા દિવસો સુધી બગડે નહીં તેવી વાનગીઓ બનાવે છે.
આ દિવસે મીઠાઈઓ પણ ઘરે બનાવવામાં આવે છે જેમાં ગુલાબ જાંબુ, શક્કરપારા, મોહનથાળ, શાક, બાજરીના રોટલા, વિવિધ પુરીઓ, થેપલા, મીઠા ઢેબરા, પરોઠા, સાબુદાણાની ખીચડી, મમરા,ચેવડો,ગળી પુરી,તીખી પુરી,બાજરાના વડા, પાણીપુરી, ભેલપુરી જેવી બીજા દિવસે જમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગીઓ બનવવામાં આવે છે અને પછી ચૂલા ઠારવાનો રિવાજ છે કારણકે છઠના 12 વાગ્યા બાદ શીતળા માતાજી ઘરે-ઘરે ફરે છે અને ચુલામાં આળોટે છે તેવી પ્રાચીન માન્યતા છે તેથી ચુલો ઠર્યા બાદ આંબો રોપવામાં આવે છે.
આંબાના રોપનું રહસ્ય એ છે કે બધા કુટુંબીજનો ને આમ્રવૃક્ષની શીતળતા મળતી રહે.
અને આંબાના પરિપક્વ ફળ જેવો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે તેવી ભવ્ય ભાવના સાથે સાધનને પવિત્ર ગણી તેની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે અનેક જગ્યાએ મેળા ભરાય છે માં શીતળા માતાજીની પૂજા કરવામાં આવે છે.
શીતળા સાતમના દિવસે રાંધણ છઠ્ઠ ના દિવસે બનાવેલી વાનગીઓ ખાવામાં આવે છે.