છેલ્લા ઘણાજ સમય થી ભારે ચર્ચાસ્પદ રહેલી રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી આજે (શુક્રવારે) યોજાનાર છે. જેની સામે ખાસ કરીને રાજકારણીઓ માં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
જેમાં ભાજપ ના ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારોને વચ્ચેનું ચિત્ર સ્પષ્ટ થશે. સવારે ૯થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે સાંજે ૫ાંચ વાગ્યાથી મત ગણતરી થશે. ભાજપ અને કોગ્રેંસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપી દીધો છે. જો કે ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હીપ આપ્યો હોવા છતા ૮ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યુ હતુ.
કોંગ્રેસમાંથી તાજેતરમાં જ કુલ ૮ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા ભાજપના ત્રણેય ઉમેદવારો જીતી જાય તેવું માનવામાં આવી રહ્યુ છે. જ્યારે કોંગ્રેસે પણ વધુ ધારાસભ્યો પક્ષ માંથી જાય નહીં તે ધારાસભ્યોને નજરકેદ જેવી સ્થિતિ માં રખાયા હતા. ચૂંટણીમાં એક મત પણ ખૂબ જ કીંમતી છે. કારણ કે માત્ર ૧ મત બાજી પલટી નાખે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં આવા જ એક મતને કારણે ભાજપના ઉમેદવાર હારી ગયા હતા
ચૂંટણી પંચે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે મતદાન કરવા આવનાર ધારાસભ્યો માટે પણ માસ્ક ફરજીયાત તેમજ હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ અને સોશિયલ ડીસ્ટન્સીંગનો અમલ કરવાનો આદેશ પણ આપ્યો છે. એક ઉમેદવારને જીતવા માટે ૩૫ મતની જરૂર પડશે. કોંગ્રેસ પાસે માત્ર ૬૫ મત હોવાથી અને ૧ અપક્ષ તથા ૨ બીટીપીના મત ગણીએ તો પણ તેને માત્ર ૧ બેઠક મળી શકશે.
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ગુરૂવારે સીધા જ ભાજપના કેમ્પમાં પહોંચીને નરહરિ અમીનને કેવી રીતે મત આપવો તેની ટ્રેનિંગ લેતા કોગ્રેસ માં સોપો પડ્યો છે.
અહીંના ઉમિયા માતાજી સંસ્થામા ચાલી રહેલા મોકપોલ ટ્રેઇનિંગમા આવેલા કાંધલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નરહરિ અમીન સાથે બપોરે ચા-નાસ્તો પણ કર્યો હતો. બેઠક બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે તેઓ જોવા મળ્યા હતા.
આ ઘટનાક્રમથી જ કાંધલ શુક્રવારે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિને મત આપશે તે સ્પષ્ટ થઇ ચૂક્યુ છે. કોંગ્રેસ માટે હવે BTPના પિતા-પુત્ર ઉપર બધો આધાર રહ્યો છે. નોંધનીય છે કે બે સપ્તાહ પહેલા શરદ પવારે NCPના પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ શંકરસિંહ વાઘેલા પાસેથી લઇને જંયત બોસ્કી સોંપી દીધો હતો.
જેથી બોસ્કીએ કાંધલ જાડેજાને કોંગ્રેસને મત આપવા વ્હીપ જાહેર કર્યો હતો. ઓગસ્ટ ૨૦૧૭ હોય કે જુલાઇ ૨૦૧૯ કાંધલે ક્યારેય કોગ્રેસને મત આપ્યો નથી. આ વખતે પણ તેનું પુનરાવર્તન થશે, આમ હવે છેલ્લા કેટલાય દિવસ થી પ્રવર્તી રહેલી ચર્ચાઓ નો ચુંટણી સાથેજ અંત આવશે.
