આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરા લગાવવા મુદ્દે થયેલી તપાસમાં એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલદાર જે.ડી. પટેલ અને અન્ય એક કર્મચારીના નામ સામે આવતા તેઓની અટકાયત કરવામાં આવી છે.
મહત્વનું છે કે કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવાના પ્રકરણમાં તપાસ કરવા ખુદ ગુજરાત એટીએસ ફરિયાદી બન્યું છે
અગાઉ પણ બે યુવતીઓને ચેમ્બરમાં મોકલવામાં આવી હોવાની માહિતી સામે આવી છે અને કલેક્ટર અશ્લિલ હરકત કરતા કેમેરામાં કેદ થયા હતા. એટીએસની પૂછપરછમાં કેતકી વ્યાસ સહિત ત્રણેયે કેમરા લગાવવા અંગે સ્વીકાર કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થવાની ઘટના બની હતી.
આ અંગે પૂરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતાં તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા હતા.
જેમાં આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીને સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો.
બાદમાં તેમનો ચાર્જ આણંદ ડીડીઓ મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો હતો.
ગઢવી 2008ની બેચના આઈએએસ ઓફિસર છે.
તેઓ સુરત ડીડીઓ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે. કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી હતી અને ત્યારબાદ કલેક્ટર કચેરીમાં કેમેરો લગાવવા મુદ્દે હવે એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલદાર જે.ડી. પટેલ અને અન્ય એક કર્મચારીની અટકાયત થતાં રાજ્યમાં આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.