જેતપુર શહેર પ્રમુખ જ કારખાનેદાર પાસેથી ખોટી રીતે 20 લાખની ખંડણી ઉઘરાવવા જતા ભેરવાઇ પડ્યા હતા અને મામલો પોલીસ મથકે જતા તેની ધરપકડ કરવામાં આવી છે.
જેતપુરમાં સાડીના એક કારખાનાને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હોવાછતાં તે કારખાનું ચાલુ હોવાની અરજી આપના શહેર પ્રમુખે જીપીસીબીમાં કરી તેના સમાધાન પેટે કારખાનેદાર પાસેથી 20 લાખની ખંડણી માગવાની વાત સામે આવી છે.
વિગતો મુજબ જેતપુર શહેરના ચાંપરાજપુર રોડ પર આવેલા જય ગૌતમ ટેક્ષટાઇલ નામના સાડીના કારખાનાને વર્ષ ૨૦૧૮માં જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારતા કારખાનું બંધ થઈ ગયું હતું.
દરમ્યાન આ કારખાનું ચાલુ હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટી જેતપુર શહેરના પ્રમુખ ભાવેશભાઈ ગીણોયાએ જીપીસીબી તેમજ પીજીવીસીએલમાં કરી હતી. જેથી કારખાનાના માલીક રમણીકભાઈ બુટાણીએ ભાવેશભાઈને મળીને પોતાનું કારખાનું તો બંધ જ છે તો આવી ખોટી અરજી શું કામ કરો છો તેમ પૂછતાં ભાવેશે એવો જવાબ આપ્યો હતો કે અમારી પાર્ટીએ આખા શહેરના આવા બંધ કારખાનાઓ સામે આવી અરજી કરવાનું કહ્યું છે, અને તમારે આ બાબતે પતાવટ કરવી હોય તો હું પતાવી દઈશ અને તમારું કારખાનું પણ ફરી ચાલુ કરાવી દઈશ. પણ આ માટે તમારે અમારા ઉપરના હોદ્દેદારો સાથે સમજવું પડશે. અને તે માટે તમે ઈંદ્રિશભાઈને મળી લેજો,જેથી રમણિકભાઈ ઈંદ્રિશને મળતા તેણે પચાસ લાખ રૂપિયા આપવાની વાત કહી. પરંતુ આટલા રૂપિયા પોતાનાથી ન થાય તેવી દલીલો રમણીકભાઇએ કર્યા બાદ ભાવેશભાઈએ ધમકી પણ આપી કે હું રાજસ્થાનની જેલમાં હત્યા અપહરણ ગુનામાં રહી આવ્યો છું તું નહિ સમજ તો તારા પણ આવો જ હાલ થશે. જેમાં એક મહિનો જેટલો સમય વાટાઘાટો રૂબરૂ મુલાકાત અને ફોન કોલને અંતે વીસ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
બીજી બાજુ કારખાનેદાર રમણીકભાઈએ આ બાબતે પોલીસમાં જાણ કરવાનું યોગ્ય જણાતા તેઓએ આખરે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ભાવેશ ગીણોયા અને ઈંદ્રિશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ડરાવી, ધાક ધમકી આપી તેમજ મારી નાખવાની ધમકી આપી ખંડણી ઉઘરાવવા માટે એકબીજાની મદદગારી કરવા અંગેની આઈપીસી ૩૮૪, ૩૮૯, ૫૦૬(૨) અને ૧૧૪ હેઠળ ગુનો નોંધી આપના શહેર પ્રમુખ ભાવેશ ગીણોયાની ધરપકડ કરતા ભારે ચકચાર મચી ગઇ છે.