દેશ માં એક તરફ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તો બીજી તરફ સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની અપાયેલી છૂટ અને સીસીએમઆઈ એક્ટમાં સુધારા સામે ઇન્ડિયન મેડિકલ એસો. (આઈએમએ) દ્વારા વિરોધ કરી આંદોલન ના મંડાણ કર્યા છે અને અમદાવાદ સહિત દેશભરમાં મંગળવારે બપોરે 12થી 2 વાગ્યા સુધી ધરણાં-દેખાવો કરશે. ઉપરાંત મેડિકલમાં વન નેશન વન સિસ્ટમના વિરોધમાં 11મીએ સવારે 6થી સાંજે 6 દરમિયાન કોવિડ અને ઇમર્જન્સી સિવાયની તમામ ઓપીડી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
એસોસિયેશને જણાવ્યું છે કે, જરૂર જણાશે તો કોવિડ સિવાયની સેવાઓ બંધ કરવાની પણ ચીમકી આપવાની સાથે કાનૂની વિકલ્પો અંગે પણ વિચારણા કરાઈ રહી છે. આ લડતમાં અન્ય મેડિકલ સંગઠનો, સરકારી ડોક્ટર્સ એસોસિએશન, હોસ્પિટલ એસોસિએશન, આરડીએ, મેડિકલ કોલેજ ટીચર્સ એસોસિએશન અને મેડિકલ વિદ્યાર્થીઓ ને પણ જોડવામાં આવશે.
