આ વખત ની દિવાળી ખાસ રહેવાની છે અને 499 વર્ષ બાદ અતિ દુર્લભ યોગ બની રહેવાનો છે. જ્યોતિષ ની દ્રષ્ટિએ આ યોગ ઉત્તમ મનાય છે.
આગામી 14 નવેમ્બરે શનિવારે દિવાળી નો તહેવાર હોવાથી તે તંત્રપૂજા માટે ખાસ બની રહેશે. આ દિવાળીએ ગુરુ ગ્રહ પોતાની જ રાશિ ધન અને શનિ પોતાની રાશિ મકરમાં રહેશે. શુક્ર ગ્રહ કન્યા રાશિમાં નીચનો રહેશે. શાસ્ત્રી દિલીપભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, દિવાળીએ ત્રણ મોટા ગ્રહોનો આ દુર્લભ યોગ 499 વર્ષ પછી બની રહ્યો છે. 2020 પહેલાં 1521માં ગુરુ, શુક્ર અને શનિનો આ યોગ બન્યો હતો. ત્યારે 9 નવેમ્બરે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ અને શનિ વ્યક્તિની આર્થિક સ્થિતિને મજબૂત કરનાર કારક ગ્રહ માનવામાં આવે છે. આ બે ગ્રહ દિવાળીએ પોતાની જ રાશિમાં હોવાથી ધનને લગતાં કાર્યોમાં કોઇ મોટી ઉપલબ્ધિ થશે.
14 નવેમ્બરના રોજ ચૌદશ તિથિ બપોરે 1.16 વાગ્યા સુધી રહેશે. ત્યાર બાદથી અમાસ તિથિ શરૂ થઇ જશે. દિવાળીએ લક્ષ્મીપૂજા ખાસ કરીને સંધ્યાકાળ અને રાતે જ કરવામાં આવે છે. 15 નવેમ્બરના રોજ અમાસ તિથિ સવારે 10.16 સુધી રહેશે, એટલે દિવાળી 14 નવેમ્બરે ઊજવાશે. 15મીએ માત્ર સ્નાન-દાનની અમાસ ઊજવાશે. આમ શ્રદ્ધાળુઓ માટે આ દિવાળી પૂજા માટે વિશેષ છે અને આર્થિક સ્થિતિ સુધરવાના યોગ બન્યા છે.
