સરકારી ખાતામાં ઊંચા પગારે નોકરી કરતા બાબુઓ ને પગાર થી સંતોષ નથી અને લાંચ માંગવાની ટેવ પડી ગઈ છે ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દાણા ગામમાં આવેલી ઉત્તર બુનિયાદી શાળાના ક્લાર્ક પાસે ગાંધીનગર કમિશનર શાળાઓની કચેરીમાંથી ઓડિટ કરવા આવેલા સિ. ક્લાર્ક કમ જુનિયર ઓડિટરે 1000 હજારની લાંચ માંગતા ભેરવાઇ પડ્યા હતા અને એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
વિગતો મુજબ કપડવંજ તાલુકામાં આવેલ દાણા ગામ સ્થિત સરદાર પટેલ શાળામાં તાજેતરમાં કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરમાં સિનિયર ક્લાર્ક કમ જુનિયર ઓડિટર તરીકે ફરજ બજાવતા ગટોરભાઇ ભીખાભાઇ બારૈયા (રહે ગામ : રોજાસર, તા.લીમડી, જી. સુરેન્દ્રનગર) ઓડીટ માટે આવ્યા હતા.
આ સ્કુલમાં ધોરણ- 9 તથા 10ના કુલ-2 વર્ગો આવેલ છે.
અનુદાનીત બિનસરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા ઉત્તર બુનિયાદી શાળાઓના વર્ષ 2019-20ના વર્ષના ખાતાકીય હિસાબી ઓડીટ માટે કમિશ્નર શાળાઓની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ઓડીટ તપાસણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને ઉપરોક્ત કચેરીએથી ઉપરોક્ત સિનિયર ક્લાર્ક કમ જુનિયર ફરજ બજાવતા ગટોરભાઈ બારૈયા આવ્યા હતા.
ઓડીટ માટે આવતા આ અધિકારીએ એક વર્ગ દીઠ રૂપિયા 500 લાંચ પેટે માંગતા હોય ફરીયાદીએ આ આરોપી સાથે ઓડીટ કરાવવા માટે વાતચીત કરતાં સ્કુલનું વર્ષ 2019-20નું સરળતાથી ઓડીટ કરવા માટે અને ઓડીટમાં વાંધો નહિ કાઢવા માટે વર્ગ દીઠ રૂપિયા 500 લેખે બે વર્ગના કુલ રૂપિયા 1 હજાર લાંચની રકમ આપવાનું નક્કી થયેલ હતું,પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતાં ડાકોર ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના પ્રાથર્ના ખંડમા લાંચનું છટકુ ગોઠવ્યું હતું અને લાચીયા સિ. ક્લાર્ક ગટોરભાઇ ભીખાભાઇ બારૈયા 1 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. એન્ટી કરપ્શન બ્યુરોએ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.