મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેથી નારાજ શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્યોએ સુરતમાં ધામા નાખ્યા બાદ દિવસભર મીડિયામાં ચાલેલા ન્યૂઝ કવરેજ અને ભારે ડ્રામા બાદ આખરે સુરતથી તમામ ધારાસભ્યને રાત્રે બે વાગ્યે ઉઠાડી સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી લઈ જવાયા છે.
દરમિયાન ગુવાહાટી એરપોર્ટની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. તમામ ધારાસભ્યોને લઈ જવા માટે એરપોર્ટ બહાર 3 બસ પણ તૈયાર રાખવામાં આવી હતી. ગુવાહાટી એરપોર્ટથી આ ધારાસભ્યોને હોટેલમાં લઇ જવાયા છે.
ગુવાહાટી એરપોર્ટ બહાર શિવસેનાના ધારાસભ્યોને રિસિવ કરવા માટે ભાજપના અગ્રણીઓ ગયા હતા.
શિવસેનાથી નારાજ એકનાથ શિંદે સહિત 34 જેટલા ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા, એમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે. શિવસેનાથી નારાજ કુલ 40 જેટલા ધારાસભ્ય સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા હતા. રાત્રે 2 વાગ્યા બાદ તેઓએ સુરત છોડી દીધું છે.
શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને શિવસેનાના બે નેતા દ્વારા મનાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. બળવાખોર ધારાસભ્યોએ ઉદ્ધવ સમક્ષ બે માંગણી મૂકી હતી. જેમાં મહારાષ્ટ્રની જે અઘાડી ગઠબંધનની સરકાર છે તે છૂટી પાડવામાં આવે અને ભાજપ સાથે સરકાર બનાવવામાં આવે.