ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીઓ ના પ્રચાર ના ભાગરૂપે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કપરાડા તાલુકાના નાનાપોંઢામાં એક જંગી જાહેરસભા સંબોધી ને ભાજપ ના ઉમેદવાર ને મત આપવા અપીલ કરી હતી ત્યારે આ જાહેર સભામાં હાજર રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે બોલવામાં બાફી મારતા હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઇ હતી, રમણ પાટકરએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં જ
પોતાના ભાષણ માં જણાવ્યું કે જીતુભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા તે વખતે જીતુભાઈને ઓછી ગ્રાન્ટ મળતી હતી પરિણામે આ વિસ્તારમાં વિકાસ ઓછો થતો હતો પણ હવે તેઓ ભાજપમાં આવી જતા ગ્રાન્ટ વધુ મળવાથી હવે કપરાડા વિસ્તારનો વિકાસ થશે.
આમ રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરએ આડકતરી રીતે કોંગ્રેસના ધારાસભ્યોના મતવિસ્તારમાં ઓરમાયુ વર્તન રખાતું હોવાનો ઈશારો કરી દેતા સીએમ જોતા જ રહી ગયા હતા. સીએમ વિજય રૂપાણીની હાજરીમાં જાહેર મંચ પરથી રાજ્યના મંત્રીએ કરેલા નિવેદન ને લઈ ઉપસ્થિત અગ્રણીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે બાદમાં પત્રકારો ને પણ રમણ પાટકરે આજ વાત કહી કે કોંગ્રેસ ને ઓછી ગ્રાન્ટ મળતા વિકાસ નથી થતો.
બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રમણ પાટકરના નિવેદન ને આડકતરી રીતે બચાવ કરી વાત ને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યુ કે ના એવું નથી ભાજપ દરેક વિસ્તારમાં સરખું જ મહત્વ આપે છે. તેઓ એ કપરાડા ની બેઠક ઉપર ભાજપ ની જંગી જીત થવાની આશા વ્યક્ત કરી હતી.
