રાજ્ય માં કોરોના નો હાહાકાર મચ્યો છે અને જનતા ને સગવડ આપવાને બદલે મરવા છોડી દેવામાં આવતા હોવાની વાત સામે આવી છે કલોલ માં સરકારી હોસ્પિટલ શોભા ના ગાંઠિયા જેવી ઉભી છે અને અહીંના લોકો અમદાવાદ સુધી જવા મજબૂર બન્યા છે અહીં કોંગ્રેસ ના ધારાસભ્ય હોઈ તેઓ ની કોઈ વાત ભાજપ સરકાર ગંભીરતાથી નહિ લેતી હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે. નવાઈ ની વાત તો એ છે કે નીતિન ભાઈ ઉદઘાટન કરી ગયા છે પણ અહીં માત્ર ઓક્સિજન કે વેન્ટીલેટર વગર સાદા ખાટલા નજરે પડી રહ્યા છે ત્યારે સારવાર કેમ કરવી તે સવાલ ઉભો થયો છે તે માટે સ્ટાફ નો પણ અભાવ નજરે પડ્યો હતો.
કલોલ માં સત્યડે ના રીયાલીટી ચેક મા સરકારી હોસ્પિટલમાં કોરોના માટે સારવાર નહિ હોવાનું અને એકપણ દર્દી વગર ખાલીખમ હોસ્પિટલ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે અહીં માત્ર સાદા ખાટલા સિવાય કંઈજ નથી , દર્દીઓ વગર ની સુમસાન ભાસતી હોસ્પિટલ માં કોઈજ સગવડ નથી કેમ ? કોંગી ધારાસભ્ય ની રજુઆત છે તેથી શુ થયું ? લોકો ને કેમ મરવા છોડી દીધા વગરે સવાલો ઉભા થયા છે.
કલોલ ના કોંગી ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા આ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ માટે રૂ.25 લાખ ની ગ્રાન્ટ ફાળવી પણ હોસ્પિટલમાં નથી ઓક્સિજન સાથે નો બેડ કે નથી લેબ કે નથી પૂરતો સ્ટાફ : શુ રાજકારણ ની રમત ને લઈ જનતા ના જીવન સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે ?
રાજ્ય માં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટયો છે ક્યાંય બેડ મળતા નથી અને હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો માં ઓક્સિજન સાથે દર્દીઓ ની લાઈનો જોવા મળી રહી છે અને કેટલાક તો ત્યાંજ સારવાર ના અભાવે દમ તોડી રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જ્યાં કોવિડ હોસ્પિટલ નું ઉદ્ઘાટન કરી નાખ્યું તે કલોલ માં કાગડા ઉડે છે અહીં કોઈજ ફેસિલિટી નહિ હોવાથી કોરોના ના દર્દીઓને સારવાર નો કોઇ લાભ મળતો નથી. નવાઈ ની વાત તો એ છે કે આ હોસ્પિટલ માં તમામ બેડ ખાલી છે સતત ખાલી રૂમો માં પંખા ફરી રહયા છે તેમજ લાઈટો ચાલુ છે અને મોટાભાગ ના રૂમ ને તાળાં મારેલા છે અને દર્દીઓને કોરોના ની સારવાર નો કોઈ લાભ મળતો નથી.
જીહા આ વાસ્તવિકતા ગુજરાત ના પાટનગર ગાંધીનગર ને અડીને આવેલા કોરોના ટાઉન ની છે કે જે નગર માં અસંખ્ય કોરોના દર્દીઓ રીતસર તરફડીયા મારી રહ્યા છે પણ કલોલ ની સરકારી હોસ્પિટલ ખરા ટાંકણે લોકો ને કોઈ કામ લાગી શક્તી નથી. કલોલ શહેર સહિત રૂરલ ના કોરોના કોઈ દર્દીઓ ને સારવાર નો અહીં કોઈ જ લાભ મળતો નથી પરિણામે આ પંથકમાં લોકો ને તંત્ર અને સરકાર ઉપર કોઈજ ભરોસો રહ્યો નથી અને ન છુંટકે તેઓ ખાનગી હોસ્પિટલ માં રોજના એટલે કે પ્રતિદિન રૂ.15000 થી રૂ.20,000 નો ખર્ચ કરવો પડી રહ્યો છે તેમછતાં પણ બેડ નહિ મળતા લોકો ગાંધીનગર કે અમદાવાદ તરફ જઈ રહ્યા છે અને ત્યાં પણ બેડ નહિ મળતા રસ્તા માં જ દમ તોડી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશ માં આવી છે. કલોલ માં સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે વ્યવસ્થા ન હોય કલોલની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર કરવામાં આવે તેવી માગણી ઉઠતા જેને તંત્રએ લીલીઝંડી આપી કોરોનાના દર્દીઓ માટે સારવાર શરૂ કરવામાં આવી હતી અને દર્દીઓ માટે 15 બેડની સુવિધા સાથે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવા નિર્ણય લેવાયો હતો
કલોલના નાગરિકો અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર એ કલોલમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓને સારવાર કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે તંત્ર દ્વારા કલોલની સિવિલ હોસ્પિટલમાં 15 બેડની સુવિધા સાથે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી જેના પગલે કલોલના લોકોમાં એમ હતું કે ચાલો કંઈક તો થયું પણ તે આશા ઠગારી નીવડી કારણ કે પલંગ ગોઠવવા થી કઈ થાય તેમ ન હતું સાથે ઓક્સિજન ,વેન્ટીલેટર ,તબીબો સ્ટાફ પણ જોઈએ તે ન હોય દર્દીઓ ની સારવાર કેવી રીતે કરવી તે સવાલ ઉભો થતા સારવાર શક્ય ન હોઇ હાલ કોરોના ની મહામારી માં આ હોસ્પિટલ દર્દીઓ વગર ખાલીખમ શોભા ના ગાંઠિયા ની જેમ ઉભી છે.
કલોલ ખાતેની રેફરલ સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સીજન અને વેન્ટીલેટર જ ન હોય કલોલના કોંગી ધારાસભ્ય બળદેવજી ઠાકોરે તેમની ગ્રાન્ટમાંથી રૂ. 25 લાખ કલોલ સિવિલ હોસ્પિટલને ફાળવ્યા છે.ધારાસભ્યે વર્ષ 2021-22ની એમએલએ ગ્રાન્ટમાંથી રૂ. 25 લાખ ફાળવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા આયોજન અધિકારીને એક પત્ર લખી જાણ કરી છે. કોરોનાની બિમારી ધરાવતા અને કલોલ સિવિલમાં દાખલ થયેલા દર્દીઓની સારવાર માટે ઉપયોગી ઓક્સીજન અને વેન્ટીલેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રૂ. 25 લાખની ગ્રાન્ટ ફાળવી છે પણ નવાઈ ની વાત તો એ છે કે ગુજરાત ના સ્થાપના દીને પણ અહીં આવી કોઈ વ્યવસ્થા કરવામાં નહિ આવતા સ્થાનિક લોકો ને આ હોસ્પિટલ થકી કોઈ લાભ મળ્યો નથી.
આમ રાજકીય પાર્ટીઓ ના ગંદા રાજકારણ નો ભોગ જનતા બની રહી હોવાનું સામે આવી રહ્યું છે અને લોકો ને મરવા છોડી દેવામાં આવ્યા છે.
કલોલ માં રોજના કેટલાય દર્દીઓ અહીં આવી રહ્યા છે પણ અહીં કોઈ વ્યવસ્થા કે સ્ટાફ ના અભાવ ને લઈ બંધ જેવી હોસ્પિટલ જોઈ પોતાના સ્વજન કોરોના ગ્રસ્ત દર્દીઓ ને લઈ નિરાશા સાથે ગેટ ઉપર થી પરત થઈ રહયા છે.
અહીં ના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા અગાઉ તા.19 એપ્રિલે રજુઆત થઈ હતી ફરી તા.20 એપ્રિલ ના રોજ કલોલ ની જનતા ને સરકારી હોસ્પિટલમાં કોરોના ની સારવાર નો લાભ મળે તે માટે પૂરતા ઓક્સિજન સાથે ના બેડ,વેન્ટિલેટર,લેબ, રેમડેસિવિર નો જથ્થો તેમજ તબીબ વગેરે માટે ગૃહ મંત્રી ,મુખ્યમંત્રી ને રજૂઆતો પણ કરાઈ હતી પણ તે રજૂઆતો બાદ સ્થિતિ સુધરી નથી અને કલોલ ની જનતા ને સરકારી હોસ્પિટલ નો કોઈ લાભ મળી રહ્યો નથી.
ગુજરાત ના જાગૃત મીડિયા હાઉસ ના સત્યડે અખબાર, સત્ય ન્યૂઝ ચેનલ,સત્યડે ડોટ.કોમ ની ટીમે કલોલ ની વાસ્તવિકતા જાણવા જ્યારે આ હોસ્પિટલ માં પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા અહીં એક તબીબ હતા તે પણ કોઈ પેશન્ટ નહિ હોવાથી ઘરે આંટો મારવા ગયા હતા જે મીડિયા ટીમ આવતા આવી ગયા હતા અહીં સત્ય મીડિયા ના પ્રતિનિધિ સ્ટેફી કનુરિયા ની સામે જ એક રીક્ષા માં ઓક્સિજન સાથે આવેલ પેશન્ટ હોસ્પિટલ સુમસાન જોઈ તરત જ અમદાવાદ જવા પરત જતા રહ્યા હતા આમ અહીં સરકારી તંત્ર અને રાજ્ય સરકાર ની બેદરકારી છતી થઈ હતી જે ખુબજ ચોંકાવનારી બાબત બહાર આવી છે જે માટે કોણ જવાબદાર તે અમે વાંચકો અને જનતા ઉપર છોડીએ છીએ.