હાલમાં કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ સરકારે માસ્ક પહેરવું ફરજીયાત બનાવી દીધું છે અને જો માસ્ક વગર પકડાવ તો રૂ. 200 નો દંડ અમલ માં છે ત્યારે રાજ્યના ગૃહવિભાગે સ્પષ્ટતા કરી છે કે કારમાં મુસાફરી કરતી વખતે માત્ર ડ્રાઇવિંગ કરતી વ્યક્તિ એકલી જ હોય તો તેણે માસ્ક પહેરેલું હોવું જરૂરી નથી. પરંતુ જો તેને અટકાવીને અધિકારી કે પોલીસ પૂછપરછ કરે ત્યારે માસ્ક પહેરવું પડે.
આ ઉપરાંત જો કોઇને રસ્તો પૂછવા માટે કે અન્ય કોઇ કામ માટે વાત કરવાની જરૂર પડે તો ડ્રાઇવરે માસ્ક પહેરી લેવાનો રહેશે. તે ઉપરાંત જો ડ્રાઇવર સિવાય અન્ય વ્યક્તિઓ પણ કારમાં બેઠેલી હોય તો તે તમામે માસ્ક પહેરવાનું રહેશે. જો કોઇ વ્યક્તિ પાસે માસ્ક ન હોય તો કોઇપણ સાદા કપડાથી મોં અને નાક ઢંકાય તે રીતે ધારણ કરવાનું રહેશે.
અગાઉ સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તથા કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જાહેરમાં નીકળતી વખતે માસ્ક કે મોં અને નાક ઢંકાય તે રીતે કપડું અવશ્ય રાખવું તેવો હુકમ કર્યો હતો. જો કે માત્ર એક જ વ્યક્તિ કારમાં હોય ત્યારે આ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર નથી. પરંતુ આ નિયમ બની ગયાં બાદ અનેક લોકોએ સરકારી તંત્રનું ધ્યાન દોરતાં ગૃહ વિભાગને આ સ્પષ્ટતા કરવી પડી છે. ગૃહવિભાગે તમામ પોલીસ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો સહિત તમામ વિભાગના સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે. આમ માસ્ક મામલે લોકો ને જાગૃતિ દાખવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને કાર માં એકજ વ્યક્તિ હોય તો માસ્ક જરૂરી નહિ હોવા અંગે ચોખવટ કરવામાં આવી હતી.
