રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહેતા વિવાદ ઉભો થયો છે.
તેઓએ જણાવ્યું કે હાલ મોંઘવારીથી લોકો પરેશાન છે અને બેરોજગાર ફાટી નીકળતા યુવાનો રોજગાર માટે ફાંફા મારે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજા રાવણની જેમ અભિમાન ફાટી નીકળ્યું છે, ત્યારે મોદીનું અભિમાન ઉતારવા માટે જનતાને કોંગ્રેસનું સમર્થન કરી દિલ્હીના હલ્લાબોલ અને ગુજરાત બંધના એલાનમાં જોડાવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે આગામી તા.10ના રોજ કોંગ્રેસે મોંઘવારી સામે ગુજરાત બંધનું એલાન આપ્યું છે તે સંદર્ભમાં તેઓએ આ વિધાન કર્યું હતું.
ધારાસભ્ય કગથરાના વડાપ્રધાન માટેના વિવાદાસ્પદ વિધાન અંગે મીડિયાએ સવાલ કરતા લલિત કગથરાએ કહ્યું હતું કે, વડાપ્રધાનને રાવણ કહ્યા નથી પરંતુ અભિમાન રાવણ જેવું છે તેવું કહ્યું છે.
ભાજપે પણ અગાઉ તત્કાલીન વડાપ્રધાન મનમોહનસીંગને મૂંગા કહ્યા હતા તેવો બચાવ પણ કગથરાએ કર્યો હતો.