રાજ્યના ગૃહ વિભાગ જેવા સંવેદનશીલ વિભાગની આંખોમાં ધૂળ નાખી નકલી ડોક્યુમેન્ટ પધરાવી પોલીસ ડીપાર્ટમેન્ટને થાપ આપી મયુર તડવી છેક ટ્રેનિંગ લેવા માંડયો ત્યાં સુધી પોલીસને કેમ ખબર ન પડી તે મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને ભરુચ જિલ્લાના ઉમેદવાર વિશાલ તેરસિંગભાઈ રાઠવાના સ્થાને મયૂર તડવીએ પોતાનું નામ યાદીમાં ઉમેરી દઈ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો અને ત્યાં સુધી જવાબદાર વિભાગ ઉંઘતો રહ્યો તે વાત ભારે ચર્ચાસ્પદ બની ગઈ છે ત્યારે કોંગ્રેસે આ વાતનો સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો.
ગાંધીનગર કરાઇ એકેડેમી ખાતે પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની બોગસ રીતે તાલીમ મેળવી રહેલા મયૂર તડવીનો મુદ્દો ગૃહમાં પણ ગાજયો હતો.
ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસની માગણી હતી કે ગૃહમાં કરાઇ એકેડેમી ખાતે બનેલી ઘટના બાબતે ચર્ચા કરવામાં આવે.
સરકારને આડે હાથ લઈ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોઈ બોગસ વ્યક્તિએ એકેડમીમાં પ્રવેશ મેળવી એક મહિના સુધી તાલીમ મેળવીને પગાર મેળવ્યો, એનો જવાબ સરકાર પાસેથી માગવામાં આવ્યો હતો. આ બાબતે અધ્યક્ષે વિપક્ષ ધારાસભ્યને વિધાનસભાના કાયદા પ્રમાણે ચર્ચા કરવા માટે સૂચન કર્યું હતું. જોકે ગૃહમાં કરાઇ એકેડેમીમાં ચાલતા કૌભાંડ મામલે કોંગ્રેસે ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.
આમ,સમગ્ર રાજ્યમાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે.