રાજ્યમાં ચુંટણીઓ અગાઉ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે દેશમાં પ્રવર્તી રહેલી મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો આગળ કરી કોંગ્રેસે પણ આંદોલન શરૂ કરી દીધું છે જેના ભાગરૂપે આજે શનિવારે કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધનું એલાનને સફળ બનાવવા સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે બંધ કરાવવા માટે ખુદ પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોર કાર્યકરો સાથે નીકળ્યા હતા.
જગદીશ ઠાકોર એક્ટિવા પર બેસીને અમદાવાદમાં નરોડા વિસ્તારમાં બંધ કરાવવા નીકળ્યા હતા.
આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી ગયા છે. આજે સવારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવા પહોંચ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી.
NSUIના કાર્યકરોએ સવારથી અમદાવાદમાં સી.યુ. શાહ, સેન્ટ ઝેવિયર્સ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ સહિતની કોલેજો બંધ કરાવી હતી. બીજી તરફ શહેરના નરોડા વિસ્તારમાં કોંગ્રેસના પ્રદેશ જગદીશ ઠાકોર કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બંધ કરાવવા નીકળ્યા હતા. કોલેજો બંધ કરાવી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી.