કોરોના ની વકરેલી સ્થિતિ વચ્ચે કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે આગામી 4 ઓકટોબરે સમગ્ર દેશમાં UPSC દ્વારા આયોજિત સિવિલ સર્વિસિઝની પ્રિલિમિનરી પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં પરીક્ષાર્થીઓને મુસાફરીની સુવિધા આપવા માટે દિવસભર ટ્રેન દોડાવશે, જેને લઈ 4 ઓક્ટોબરના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા ચાલુ રહેશે, આ મેટ્રો ટ્રેનનું સમય પત્રક પણ જાહેર કરી દીધું છે. ટ્રેનના ઓપરેશનલ ટાઈમિંગ મુજબ પરીક્ષાર્થીઓ ઉપરાંત જાહેર જનતા પણ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.કોરોના મહામારીના કારણે દેશભરમાં થયેલા લોકડાઉન બાદ મેટ્રો રેલ સેવા 5 મહિના બાદ 7 સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ હતી. અમદાવાદના વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવે છે. મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરતા પેસેન્જરને ફરજિયાત માસ્ક સાથે પ્રવેશ આપીને હેન્ડ સેનેટાઈઝ કરાવવામાં આવે છે. બાદમાં મુસાફરનું તાપમાન ચેક કરવામાં આવે છે. ટ્રેનમાં પ્રવેશ કર્યા બાદ દરેક વ્યક્તિને એક સીટ છોડીને એક પેસેન્જરને બેસાડવામાં આવે છે બીજી તરફ
UPSC દ્વારા પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
જેમાં તમામ ઉમેદવારે સેનિટાઈઝરની નાની પારદર્શક બોટલ, માસ્ક/ફેસ કવર પહેરવાનું રહેશે, માસ્ક વગર/ફેસ કવર વગર ઉમેદવારોને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
એક્ઝામ સેન્ટર પર પરીક્ષા શરૂ થાય તેની 10 મિનિટ પહેલા એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. એટલે કે સવારની શિફ્ટ માટે એન્ટ્રી 09:20 વાગે અને બપોરની શિફ્ટ માટેની એન્ટ્રી 02:20 વાગે બંધ કરવામાં આવશે.
પરીક્ષા દરમિયાન જાતે જ સ્ક્રાઈબ લાવનાર ઉમેદવારોએ ધ્યાન રાખવું કે સ્ક્રાઈબને પરીક્ષા કેન્દ્રમાં એક અલગ ઈ-એડમિટ કાર્ડની સાથે મંજૂરી આપવામાં આવી હોય. ઈ-એડમિટ કાર્ડ સ્ક્રાઈબ માટે અલગથી જારી કરવામાં આવશે.
પરીક્ષા દરમિયાન પરીક્ષા હોલ/ રૂમની સાથે પરીક્ષા સ્થળની અંદર ઉમેદવારોએ કોરોનાથી બચાવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને વ્યક્તિગત સ્વચ્છતાનું પાલન કરવાનું રહેશે તેમ સૂત્રો એ જણાવ્યું હતું. આમ કોરોના ની ગાઈડલાઈન વચ્ચે પરીક્ષા યોજાનાર છે.
