ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, મ્યુકોર્માઇકોસિસના કેસમાં વધારો થતાં ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં મ્યુકોર્માઇકોસિસના કેસ સૌથી વધુ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના સંકટ હળવું થયું છે જો કે, મ્યુકોર્માઇકોસિસના દર્દીઓમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. આ રોજ એવા દર્દીઓને થઈ રહ્યો છે જેઓ પહેલા કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.
મ્યુકોર્માઇકોસિસને લીધે સૌરાષ્ટ્રમાં ચિંતા વધી છે, ખાસ કરીને રાજકોટ અને જામનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો રાજકોટમાં મ્યુકોર્માઇકોસિસના કુલ દર્દી 636 નોંધાયા છે. જ્યારે જામનગરમાં મ્યુકોર્માઇકોસિસના 137 કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે.
કોરોના બાદ હવે મ્યુકર્માઈકોસિસનો કહેર અને ડર લોકોમાં વધુને વધુ ફેલાઈ રહ્યો હોવાનું ઉદાહરણ સામે આવ્યું છે. કોરોનાને માત આપ્યા બાદ મોઢામાં ચાંદા પડતાં મ્યુકર્માઈકોસિસ થયો હોવાનો ડર રાખીને શહેરના પાલડી વિસ્તારમાં એક વૃદ્ધે આત્મહત્યા કરી છે.
અમદાવાદના પાલડી વિસ્તારના અમન એપાર્ટમેન્ટમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધને મ્યુકર્માઈકોસિસ થયો હોવાના ડર લાગી ગયો હતો. નિવૃત્ત જીવન જીવતા નિરંજન પટેલ નામના વૃદ્ધે બે દિવસ પહેલા તેમના ફ્લેટના ધાબા પર જઈને દવા પીધી હતી. જો કે લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા તેમના પત્નીએ આસપાસમાં તપાસ કરી હતી. જેમાં નિરંજનભાઈ ફ્લેટના ધાબા પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.