કોરોના માં બેહાલ જનતા માટે લોન મોરટોરિયમ સુવિધાનો લાભ લેનારા માટે એક ગુડ ન્યૂઝ સામે આવી રહ્યા છે અને હવે બેંકો લોન પર વ્યાજ પર વ્યાજની વસૂલાત નહીં કરે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે કે એમએસએમઇ, શિક્ષણ, ગૃહ, ઉપભોક્તા અને ઓટો લોન પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. આ સિવાય ક્રેડિટ કાર્ડના બાકી લેણાં પર પણ આ વ્યાજ લાગુ કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે કોરોનામાં તો સરકારે વ્યાજ મુક્તિનો ભાર સહન કરવો જોઇએ, આ એકમાત્ર સમાધાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે મોરટોરિયમ કેસમાં કેન્દ્ર સરકાર પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ અંગે સોગંદનામું દાખલ કરીને, કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ અને રિઝર્વ બેંકની પાછળ છુપાવીને પોતાનું રક્ષણ ન કરવું જોઈએ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે જનતા ની સમસ્યાઓ પણ જોવી પડે અને તે બાદ હવે લોન લેનારા માટે આ સારા ન્યૂઝ આવ્યા છે.
