ગુજરાતમાં કોરોના ની સ્થિતિ ગંભીર છે અને સરકારી આંકડા મુજબ 3500થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને રોજના એક હજારથી પણ વધુ પૉઝિટિવ કેસ જ્યારે નોંધાઇ રહ્યા હોય ત્યારે માસ્ક વિના ફરતા અને હજારોનાં ટોળાં સાથે રેલીઓ યોજતા નેતાઓ સામે આખરે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે. મીડિયા ના અહેવાલો બાદ હાઇકોર્ટે સુઓમોટો કરીને જાહેરહિતની અરજીના આધારે આવા બેજવાબદાર રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને આકરો દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપતા સરકાર ના જ નેતાઓ માં ફફડાટ ફેલાયો છે.
કોરોના મહામારી અંગે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન માસ્ક વિના ફરતા નેતાઓ ના ફોટા સાથેના આ અખબારી અહેવાલો અને રાજકીય રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી રહ્યા હોવાને મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારી વકીલને આ મામલે કડક કાર્યવાહી કરવા ટકોર કરી હતી. અગાઉ નેતાઓ ની રેલીઓ એ જાહેરનામા નો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો અને ત્યારબાદ અનેક નેતાઓ કોરોના માં સપડાયા હતા છતાં નેતાઓ પોતાની જીદ છોડતા નથી.
