દીવ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતને અડીને આવેલા કેંદ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે દીવ પ્રશાસન દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે સુરતમાં આજથી કલમ-144 લાગુ કરવામાં આવી છે.
કલમ-144 હેઠલ જાહેર સ્થળોએ 4થી વધારે લોકોને એક્ઠાં થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોવિડ-19ની માર્ગદર્શિકાનું કડક પાલન કરવાનું રહેશે.
આ અઠવાડીયામાં જ કોરોના સંક્રમણના 15 કેસ નોંધાતા દીવ પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. દીવમાં બગીચા, બીચ, ફરવા લાયક સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ દીવ ફરવા આવતા પ્રવાસીઓએ કોરોનાનો રિપોર્ટ આપવો ફરજીયાત કરવામાં આવ્યો છે.
ગઈકાલે મંગળવારે ગુજરાતમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,86,577 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.