ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે અને એક-એક પછી લોકો વાયરસના ભરડામાં આવી રહ્યા છે. આજે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન પણ કોરોનાએ ઘુષણખોરી કરી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને રસોઇયોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ છે. રોનાગ્રસ્ત રસોઈયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યારે બીજી તરફ રસોઈયાના પુત્રનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. હાલ તેના રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે.
સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, કોરોના સંક્રમિત આ રસોઈયો મુખ્યમંત્રી નિવાસ સ્થાને રહીને જ રસોઈ બનાવે છે. તકેદારીના પગલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સેનેટાઈઝની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ બાદ હવે પાટનગર ગાંધીનગરમાં પણ કોરોના કહેરના કારણે પરિસ્થિતિ વણસી રહી હોવાના સંકેત મળ્યા છે. આ મહામારીના કારણે સંખ્યાબંધ લોકોનો આ વાયરસ ભરખી ગયો છે. જેમાં ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહયું છે. સરકારી સાથે ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે ખાનગી હોસ્પિટલો કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામે તો અંતિમ વિધિમાં પ્રોટોકોલ મુજબ કામ નહીં કરતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.