રાજ્યમાં અગાઉ અલકાયદા દ્વારા આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે ત્યારે પોલીસે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાયતો તરત જાણ કરવા આપેલી સૂચનાઓ વચ્ચે ડેસર તાલુકાના જાંબુગોરલ, મેરાકુવા, વાલાવાવ, દાજીપુરા, બારીયાના મુવાડા સહિતના ગામોમાં મોડી રાત્રે 7થી 8 જેટલા ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનોમાં ગભરાટ જોવા મળ્યો હતો.
મેરાકુવા સરપંચ ગણપતભાઈ પરમારે રાત્રે 7થી 8 જેટલા શંકાસ્પદ ડ્રોન ગામ ઉપર વારંવાર ચક્કર મારતા જોવા મળતા તેઓએ તલાટી કમ મંત્રી રાજેશ પટેલને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં દહેશત ફેલાઈ હતી.
તલાટીએ ડેસર મામલતદાર ભરત પારેખને આ બાબતે જાણ કરી હતી. તેઓએ ડેસર પોલીસ મથકના પી.એસ.આઇ એસ. કે. ચારેલને પણ માહિતગાર કર્યા હતા.
આ સિવાય જાંબુગોરલ ગ્રામ પંચાયતના પેટા પુરા દાજીપુરા બૈડપ બારીયાના મુવાડા અને જાંબુગોરલ સહિતના ગામોમાં 5થી 6 જેટલા ડ્રોન ગ્રામજનોએ નજરે નિહાળતા સરપંચ મહેન્દ્રભાઈ સોલંકીને જાણ કરાઈ હતી.
ઉપરાંત ગત રાત્રી દરમિયાન વાલાવાવ અને ડેસર તળાવ બજારમાં પણ જુથમાં ડ્રોન નજરે પડ્યા હતા. આ માટે ડેસર પોલીસ મથકના પીએસઆઇએ તાલુકાના તમામ ગ્રામ પંચાયતોના સરપંચોની એક બેઠક બોલાવી છે.
આમ,શંકાસ્પદ ડ્રોન કોણ ઉડાવી રહ્યું છે અને રાત્રી વખતે ડ્રોન કેમ ઉડી રહયા છે તે મામલે અનેક સવાલો ઉભા કર્યા છે, લોકો ને ડ્રોન નજીક નહી જવા અપીલ કરવામાં આવી છે.
