ગાંધીનગરઃ ગુજરાતમાં રસીકરણ અભિયાનની વચ્ચે જીવલેણ કોરોના વાયરસ બેકાબુ બનતા આજે મંગળવારે સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે જે બહુ જ ચિંતાજનક બાબત છે. નવા કેસો વધતા રાજ્યમાં એક્ટિવ કેસો અને મરનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
ગુજરાતમાં આજે 1 એપ્રિલના રોજ કોરોના સંક્રમણના ફરી રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં આજે 1 એપ્રિલના રોજ પ્રથમવાર રેકોર્ડ બ્રેક 2410 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા સૌથી કોરોના સંક્રમણના કેસ છે. આમ રાજ્યમાં સતત રેકોર્ડ બ્રેક નવા કોરોના કેસ નોંધાતા લોકો અને વહીવટીતંત્રમાં ફફડાટ ફેલાયો છે. આજના નવા કેસ આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3,10,108 પહોંચી ગઇ છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 9 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 4, અમદાવાદમાં 3, વડોદરા અને ભાવનગરમાં 1 – 1 દર્દીએ જીવ ગુમાવ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 4528 થયો છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 2015 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,92,584 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ઘટીને 94.35 ટકાના સ્તરે પહોંચ્યો છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોરોના કેસ નોંધાયા છે.
સતત મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ ઉમેરાતા અને એક્ટિવ કેસોની સંખ્યા વધવાની સાથે-સાથે રાજ્યમાં હવે સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા વધવાની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે વધીને 12300ની નજીક પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં 12996 કોરોના એક્ટિવ કેસો હતા એટલે કે હાલ વાયરસથી સંક્રમિત આટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી હાલમાં 155 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ આજે 1લી એપ્રિલથી કોરોના રસીકરણ અભિયાનનો નવો તબક્કો શરૂ થયો છે. આ રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં 45 વર્ષથી મોટી ઉંમરના અને ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓને કોરોના રસી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગુરુવારે ગુજરાતમાં કુલ 4,54,638 વ્યક્તિઓને કોરોના રસી મૂકવામાં આવી છે. જે એક દિવસમાં સર્વાધિક રસીકરણનો આંકડો છે. આજે 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3,69,262 વ્યક્તિઓને કોરોના વેક્સીન મૂકવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 53,68,002 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકાયો છે. તો 6,97,680 વ્યક્તિઓના કોરોના વેક્સીનના બીજા ડોઝનનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી 60,65,682 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.