અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સક્રમણ વધતા પરિસ્થિતિ દિવસને દિવસે ગંભીર બની રહી છે. વધી રહેલા સંક્મણ વચ્ચે હોસ્પિટલોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી અને બેડ ફુલ થઇ ગયા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની મોટી અછત ઉભી થઇ છે. હાલ રાજ્યની હોસ્પિટલોમાં 600 થી 700 ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જેની સામે અત્યારે 400 થી 500 ટન ઓક્સિજન જ હોસ્પિટલને મળે છે.
આ મુદ્દે ગેસ મેન્યુફેક્ચરના નોડલ ઓફિસર જીજ્ઞેશ શાહે જણાવ્યું કે જો ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતો ઓક્સિજન એક અઠવાડિયા માટે અટકાવી તે હોસ્પિટલને આપવામાં આવે તો અછતનો પ્રશ્ન ઉકેલાઇ શકે છે. અમારી પાસે હોસ્પિટલના સંચાલકોના સતત કોલ આવી રહ્યા છે અને તેઓ તાત્કાલિક ઓક્સિજનનો પુરવઠો માંગી રહ્યા છે. આથી હાલ કોઇ પણ ભોગે હોસ્પિટલમાં ઓક્સિજન મળે તે જરૂરી છે.
ઉલ્લ્ખનિય છે કે, ગુજરાતમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કોરોના કેસ આવી રહ્યા છે અને તેના લીેધે એક્ટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. સરકારી આંકડા મુજબ વેલ્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા 180 જેટલી પહોંચી ગઇ છે. જો કે હકિકત વધારે ભયંકર હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.